શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસ પર શાનદાર રમી રહી છે. અત્યાર સુધી રમાયેલી 3 મેચમાં ટીમ ઈન્ડિયા 2 મેચ હારી ગઈ છે અને 1 મેચ જીતી છે. 10 જુલાઈના રોજ લોર્ડ્સમાં રમાયેલી ત્રીજી મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે તે ખૂબ ગર્વ અનુભવે છે. પાંચ દિવસ સખત મહેનત કર્યા પછી અમારી છેલ્લા સેશનમાં છેલ્લી વિકેટ પડી અમને અમારી મહેનત પર ખૂબ ગર્વ છે. હું ટાર્ગેટનો પીછો કરવા માટે ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવતો હતો. ઘણી બેટિંગ બાકી હતી, તેથી હું ખૂબ આત્મવિશ્વાસ ધરાવતો હતો, પરંતુ ઇંગ્લેન્ડે સતત આક્રમણ કરી છેલ્લા સેશનમાં જીત મેળવી,અમે અમારા ટોપ ઓર્ડરમાં કદાચ 50 રનની પાર્ટનરશીપ બનાવવા માગતા હતા, અમે તે કરી શક્યા નહીં અને તેઓ અમારા કરતા વધુ સારી રીતે રમ્યા.
તેને વધુમાં કહ્યું કે એક સમયે અમને લાગ્યું કે જો આપણે 80-100 રનની લીડ લઈએ તો તે આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે, કારણ કે અમને ખબર હતી કે આ વિકેટ પર પાંચમા દિવસે 150-200 રનનો પીછો કરવો એટલો સરળ નહીં હોય, તેથી અમે વિચારી રહ્યા હતા કે જો આપણે 80 રનની લીડ લઈએ તો આપણે સારી સ્થિતિમાં હોઈશું.
ઈંગ્લેન્ડે પહેલા બેટિંગ કરીને 387 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમે પણ 387 રન બનાવ્યા હતા. ભારત માટે કેએલ રાહુલે પહેલી ઈનિંગમાં 100 રનની શાનદાર ઈનિંગ રમી હતી. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડે 192 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમ 170 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ઈંગ્લેન્ડ 22 રનથી જીતી ગયું હતું. ભારત સામે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સિરીઝમાં ઈંગ્લેન્ડે 2-1ની લીડ મેળવી હતી.
