અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ગૌરવસભર અને પ્રેરણાદાયક ઉજવણી યોજાઈ હતી. ઉજવણી અંતર્ગત સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સેક્રેટરી શ્રીમતી પી. ભારતી, IAS ના કરકમળે ધ્વજવંદન કરવામાં આવ્યું.
ધ્વજારોહણ સાથે રાષ્ટ્રગાન ગુંજતાં સમગ્ર પરિસરમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવની લાગણી વ્યાપી ગઈ. આ અવસરે શ્રીમતી પી. ભારતી એ જણાવ્યું હતું કે, 77મા પ્રજાસત્તાક પર્વે ગુજરાત સાયન્સ સિટીમાં ઉપસ્થિત તમામને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.
પ્રજાસત્તાક દિવસ આપણને સ્વતંત્રતા, સમાનતા અને ન્યાયના મૂલ્યો સાથે વિજ્ઞાન અને નવીનતાને રાષ્ટ્રીય પ્રગતિના મજબૂત આધારરૂપ સ્વીકારવાની પ્રેરણા આપે છે.તેમણે ઉમેર્યું હતું કે, આ વર્ષ વિશેષ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે કારણ કે ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી પણ થઈ રહી છે.
‘વંદે માતરમ’ માત્ર ગીત નહીં પરંતુ રાષ્ટ્રજાગૃતિ અને સામૂહિક સંકલ્પનું પ્રતીક છે. આજે આ જ ભાવના આપણી પ્રયોગશાળાઓ, વર્ગખંડો, સ્ટાર્ટઅપ્સ અને નવીનતા કેન્દ્રોમાં જીવંત બની છે. 21મી સદીમાં વિજ્ઞાન રાષ્ટ્રની શક્તિ છે—તે આરોગ્યનું રક્ષણ કરે છે, પર્યાવરણનું સંવર્ધન કરે છે, રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત બનાવે છે અને યુવાનોને સશક્ત કરે છે. ગુજરાત આજે નવી ટેકનોલોજી, પ્રોજેક્ટ્સ અને વૈજ્ઞાનિક ઉર્જા સાથે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આગળ વધી રહ્યું છે.
આ પ્રસંગે ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી વિમલ કે. પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રજાસત્તાક દિવસના ઐતિહાસિક મહત્વ પર પ્રકાશ પાડતાં જણાવ્યું કે, ભારતનું સંવિધાન સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયના માર્ગે સમાજને આગળ ધપાવવાનું માર્ગદર્શન આપે છે. સાથે જ સમાજમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવામાં ગુજરાત સાયન્સ સિટીની મહત્વપૂર્ણ ભૂમિકાને તેમણે રેખાંકિત કરી હતી.ઉજવણીમાં અધિકારીઓ, કર્મચારીઓ, આમંત્રિત મહેમાનો તથા મુલાકાતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન સંવિધાનિક મૂલ્યોનું સ્મરણ કરવામાં આવ્યું તેમજ રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના યોગદાનને ઉજવવામાં આવ્યું.ગુજરાત સાયન્સ સિટી દ્વારા આયોજિત પ્રજાસત્તાક દિવસની આ ઉજવણી રાષ્ટ્રપ્રેમ, વૈજ્ઞાનિક ચેતના અને યુવા પેઢીમાં નવી પ્રેરણા જગાવનારી સાબિત થઈ.
YOUTUBE LINK :-
