ગોધરા શહેરમાં આવનારા શ્રી ગણેશ ઉત્સવ અને ઈદ-એ-મિલાદ તહેવારો શાંતિપૂર્ણ અને સુમેળભર્યા માહોલમાં ઉજવાય તે સુનિશ્ચિત કરવા માટે ૧૦૦મી બટાલિયન રેપિડ એક્શન ફોર્સ (RAF) ની એક કંપની તૈનાત કરવામાં આવી છે.
અમદાવાદના વસ્ત્રાલમાં સ્થિત આ બટાલિયનનું મુખ્ય મથક કમાન્ડન્ટ રતુલ દાસના સક્ષમ માર્ગદર્શન અને ડેપ્યુટી કમાન્ડન્ટ ધર્મેન્દ્ર સિંહના નેતૃત્વ હેઠળ કાર્યરત છે. ગોધરા ખાતે તૈનાત કરવામાં આવેલી કંપનીમાં કુલ ૧૨૦ સૈનિકોનો સમાવેશ થાય છે, જે તહેવારો દરમિયાન શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે પ્રતિબદ્ધ છે.
રેપિડ એક્શન ફોર્સ (RAF) તેની ઝડપી પ્રતિભાવ ક્ષમતા માટે ઓળખાય છે. રમખાણો, કુદરતી આફતો તેમજ આકસ્મિક પરિસ્થિતિઓમાં તે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ કંપની રાઈટ કંટ્રોલ વ્હીકલ (વજ્રા) જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે અને ૨૪ કલાક કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે.
રાષ્ટ્રની સુરક્ષા અને એકતામાં મહત્વપૂર્ણ યોગદાન આપતી RAF માત્ર પુરુષ જવાનો નહીં પરંતુ મહિલા કર્મચારીઓથી પણ સજ્જ છે. તેઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની કામગીરીથી દેશનું ગૌરવ વધાર્યું છે.
ગોધરા ખાતે RAF ની તૈનાતીથી સ્થાનિક લોકોને તહેવારો દરમિયાન સુરક્ષા અંગે વિશ્વાસ અને શાંતિપૂર્ણ વાતાવરણનો અનુભવ થશે.
