આરોગ્ય મંત્રાલયના એક આંતરિક દસ્તાવેજમાં, દેશમાં વધી રહેલા સ્થૂળતા પર ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. એવો અંદાજ છે કે 2050 સુધીમાં, ભારતમાં 44.9 કરોડ લોકો સ્થૂળ અથવા વધુ વજનવાળા હશે. જે અમેરિકા બાદ બીજો સૌથી પ્રભાવિત દેશ બની જશે. હાલમાં 5માંથી એક વ્યક્તિ ઓવરવેટનો શિકાર છે.
આરોગ્ય મંત્રાલયે દેશની બધી કેન્દ્રીય સંસ્થાઓને નિર્દેશ આપ્યો છે કે, નાસ્તામાં કેટલું તેલ અને ખાંડ છે તેના બોર્ડ લગાવે. આના પગલે હવે જંક ફૂડને પણ તમાકું જેવી ગંભીર શ્રેણીને મૂકવામાં આવ્યું છે. આ બોર્ડમાં જે પણ વસ્તુ ત્યાં બનાવવામાં આવી હશે તેની હાનિકારક અસરો અંગે લખ્યું હશે.
યાદી ફક્ત હવે સમોસા, જલેબી અને બિસ્કીટ પૂરતી જ સીમિત નથી, તેની તપાસના ક્ષેત્રમાં લાડુ, વડાપાંવ અને પકોડા પણ હશે. કાર્ડિયોલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયાની નાગપુર શાખાના વડા ડો. અમર આમલેએ જણાવ્યું હતું કે, હજી તો આ પ્રારંભ છે. આગામી સમયમાં જમવાનું લેબલિંગ સિગારેટના પેકેટ પર લખેલી ચેતવણી જેટલું જ ગંભીર હશે.
તેલ-ખાંડ બોર્ડ’ શું છે? આરોગ્ય મંત્રાલયે બધી સરકારી સંસ્થાઓને કાફેટેરિયા અને જાહેર સ્થળોએ આવા બોર્ડ લગાવવા કહ્યું છે, જે સામાન્ય ભારતીય નાસ્તામાં છુપાયેલ ખાંડ અને તેલનું પ્રમાણ દર્શાવે છે. તેમનો હેતુ લોકોને જણાવવાનો છે કે તેઓ જે પણ ખાઈ રહ્યા છે તે સ્વાદમાં અદ્ભુત હોઈ શકે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે કેટલું ભારે હોઈ શકે છે.
