વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે.
આન્દ્રે રસેલ જમૈકામાં રમાનારી પહેલી બે T20 મેચમાં રમતો જોવા મળશે. એટલે કે 23 જુલાઈએ કાંગારૂ ટીમ સામેની બીજી T20 મેચ આન્દ્રે રસેલના ઈન્ટરનેશનલ કરિયરની છેલ્લી મેચ હશે.
આન્દ્રે રસેલ આ સિરીઝની પહેલી 2 મેચ રમશે અને તેની 14 વર્ષના લાંબા કરિયર પર પૂર્ણવિરામ મૂકશે. આન્દ્રે રસેલે વેસ્ટ ઈન્ડિઝ માટે 6 જૂને ઈંગ્લેન્ડ સામે છેલ્લી T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. આન્દ્રે રસેલે અત્યાર સુધી વેસ્ટ ઈન્ડિઝ માટે કુલ 1 ટેસ્ટ, 56 વનડે અને 84 T20 મેચ રમી છે. કેરેબિયન ઓલરાઉન્ડરે એકલા હાથે ટીમને ઘણી મેચોમાં યાદગાર જીત અપાવી હતી.
નિવૃત્તિની જાહેરાત વખતે રસેલ ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું કે, “વેસ્ટ ઈન્ડિઝનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે સૌથી મોટો ગર્વ છે. નાની ઉંમરે મેં ક્યારેય વિચારું ન હતું કે હું અહીં સુધી પહોંચીશ, પણ ક્રિકેટના પ્રેમે મને આગળ ધપાવ્યું.” તેઓએ ઉમેર્યું કે, “મારે મારી અંતિમ મેચ ઘરઆંગણે રમવી છે, જ્યાં મારા પરિવાર અને મિત્રોની હાજરીમાં હું મારી છાપ છોડી શકું. હવે મારી ઈચ્છા છે કે, મારા પછી આવનારી પેઢી માટે હું રોલ મોડેલ બની શકું.”
