અમદાવાદ : અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ઇન્ડિયન ઓરિજિન (AAPI) એ કેડિલા ફાર્માસ્યુટિકલ્સના સહયોગથી ‘વિશ્વ આયુર્વેદ સંવાદ’નું આયોજન કર્યું હતું. આ શૈક્ષણિક મંચનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકામાં વધી રહેલા સ્વાસ્થ્ય ખર્ચ અને પડકારોના ઉકેલ તરીકે આયુર્વેદને એક સંકલિત (integrated) પદ્ધતિ તરીકે કેવી રીતે સ્થાપિત કરી શકાય તે અંગે ગહન ચર્ચા કરવાનો હતો.
આ ફોરમમાં અમેરિકામાં સ્વાસ્થ્ય સેવાઓ પર વધી રહેલા આર્થિક ભારણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જ્યાં જીવલેણ અને લાંબાગાળાની બીમારીઓ તથા મોંઘી સારવારને કારણે ખર્ચ જીડીપીના (GDP) લગભગ 18% સુધી પહોંચી ગયો છે.
નિષ્ણાતોએ ચર્ચા કરી હતી કે, કેવી રીતે આયુર્વેદના નિવારક પગલાં અને જીવનશૈલીમાં ફેરફાર આધુનિક તબીબી પદ્ધતિના પૂરક બની શકે છે, જે દર્દીઓના સ્વાસ્થ્યમાં સુધારો કરવાની સાથે લાંબાગાળાના ખર્ચમાં પણ ઘટાડો કરી શકે છે.
ઇન્ટિગ્રેટિવ મેડિસિન ક્ષેત્રના અગ્રણી અને મહર્ષિ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી (MIU) ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. ચાર્લ્સ એલ્ડરે જણાવ્યું હતું કે, “અમે જાણ્યું છે કે, આયુર્વેદને આધુનિક ચિકિત્સા સાથે જોડીને કેવી રીતે શ્રેષ્ઠ પરિણામો મેળવી શકાય છે. અમારું લક્ષ્ય, આ જ્ઞાનને વૈજ્ઞાનિક અને વ્યવસ્થિત રીતે પ્રસારિત કરવાનું છે, જેથી એ સાબિત કરી શકાય કે, આયુર્વેદ અને સમકાલીન તબીબી વિજ્ઞાન સાથે મળીને દર્દીના કલ્યાણ માટે કાર્ય કરી શકે છે.
”તેમણે ઉમેર્યું હતું કે, “અમેરિકામાં લાઇસન્સ પ્રાપ્ત તબીબો અધિકૃત આયુર્વેદને સમજે તે અત્યંત જરૂરી છે અને તેના માટે મજબૂત સંસાધનો અને સંસ્થાકીય સમર્થનની જરૂર છે. આ દિશામાં વધી રહેલી રુચિ પ્રોત્સાહક છે અને અમે ટૂંક સમયમાં જ એક ઔપચારિક માળખું તૈયાર કરીશું, જે આ કાર્યને આગળ ધપાવશે.
”AAPI ના આયુર્વેદ કોન્સોર્ટિયમના ચેરમેન ડો. અમિત શાહે આ પહેલ પાછળનો હેતુ સ્પષ્ટ કરતા કહ્યું કે, અમેરિકામાં વધતા મેડિકલ ખર્ચ વચ્ચે હેલ્થકેર ડિલિવરી વિશે પુનઃવિચાર કરવાની તાતી જરૂરિયાત છે.તેમણે જણાવ્યું હતું કે, “આ માત્ર આયુર્વેદ વિરુદ્ધ એલોપેથીનો વિવાદ નથી. અમારો હેતુ માત્ર દર્દીની સુખાકારી છે. જો કોઈ પદ્ધતિ દર્દીને ફાયદો કરાવતી હોય, તો તેને સારવારનો ભાગ બનાવવી જોઈએ. જે રીતે છેલ્લા 15-20 વર્ષોમાં અમેરિકાએ યોગને અપનાવ્યો છે, તે જ રીતે આયુર્વેદ પણ હોલિસ્ટિક ટ્રીટમેન્ટ (સંપૂર્ણ સારવાર) માટે એક અનિવાર્ય માધ્યમ બની શકે છે
.”આ કોન્સોર્ટિયમ મુખ્યત્વે શિક્ષણ અને તાલીમ, સંશોધન તેમજ ગુણવત્તાયુક્ત ઉત્પાદનોનો વિકાસ એમ ત્રણ સ્તંભો પર કામ કરી રહ્યું છે. ડો. શાહે વધુમાં ઉમેર્યું કે, આયુર્વેદનો નિવારક અભિગમ વાસ્તવિક જરૂરિયાત છે અને તે આરોગ્યસંભાળ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે. અમેરિકામાં ઉચ્ચ ગુણવત્તાવાળી આયુર્વેદિક દવાઓ માટે વિશાળ તકો રહેલી છે.
ચર્ચા દરમિયાન પ્રોડક્ટ્સની ગુણવત્તા અને શુદ્ધતાના પડકારો પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં, ગુજરાતમાં એક રાજ્ય સ્તરીય વર્કિંગ ગ્રુપની રચના પણ કરવામાં આવી છે, જેમાં એલોપેથી અને આયુર્વેદના તબીબો, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગ જગતના અગ્રણીઓનો સમાવેશ થાય છે.
આ જૂથ વૈશ્વિક સ્તરે સ્વીકૃત આયુર્વેદિક ઉત્પાદનો અને સંકલિત સ્વાસ્થ્ય સેવાઓના વિકાસ માટે કાર્ય કરશેકેડિલા ફાર્માસ્યુટિકલ્સના પ્રમુખ ડો. મંજુલ જોશીપુરાએ જણાવ્યું હતું કે, “આયુર્વેદને આંતરરાષ્ટ્રીય સ્તરે, ખાસ કરીને અમેરિકા જેવા નિયંત્રિત બજારોમાં વધુ સ્વીકૃતિ મળે તે માટે દવાઓની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરવી અનિવાર્ય છે. ઉદ્યોગ જગત અને શૈક્ષણિક સંસ્થાઓએ સાથે મળીને એવા ધોરણો સ્થાપિત કરવા પડશે જેનાથી આયુર્વેદ પરનો વિશ્વાસ વધુ મજબૂત બની શકે.”આ સંવાદ સત્રમાં આયુર્વેદના વિદ્વાનો, નિષ્ણાતો અને એલોપેથી તથા આયુર્વેદના ખ્યાતનામ તબીબો ઉપસ્થિત રહ્યા હતા.
YOUTUBE LINK :-
