• દીન-એ -કામિલ’ તેમજ ‘નિકાહ,આઇના ઔર હમ’ પુસ્તક નું વિમોચન કરાયું!!
મુસ્લિમ સમાજના વિશ્વ વિખ્યાત ધર્મગુરુ શૈખુલ ઇસ્લામ હઝરત સૈયદ મુહમ્મદ મદની અશરફી જીલાની ની અધ્યક્ષતામાં અને તેમના શહેજાદા સૈયદ હમ્ઝા અશરફ અશરફી ની આગેવાનીમાં શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ દ્વારા રવિવારે મિરઝાપુર પ્રેયસ હાઇસ્કુલ મદની મસ્કન પાસે જશ્ને સૈયદ તથા જશ્ને પીરાની અમ્મા (રહે.) ખૂબ જ શાનો શૌકત થી મનાવવામાં આવ્યો હતો. જેમાં જા નશીને શૈખુલ ઇસ્લામ હઝરત સૈયદ હમઝા અશરફે ઈમાનઅફરોઝ તકરીર કરતા જણાવ્યું હતું કે, જે રીતે શરીરનો મેલ દૂર કરવા નહાવું પડે છે તે જ રીતે મેલા થઈ ગયેલા દિલ અને દિમાગને સાફ કરવા અલ્લાહ નો ઝીક્ર કરવો જરૂરી છે.તેમ જણાવી તેમણે હાજર જનોને ઝીક્ર કરાવ્યો હતો. ત્યારબાદ સજરહ શરીફ નુ પઠન કર્યું હતું. શાયરે ઇસ્લામ હઝરત ખાલિદ અનવર અશરફે આગવી શૈલી માં શૈખુલ ઈસ્લામ ની શાનમાં મન્કબત પેશ કરી હતી.
શૈખુલ ઇસ્લામ હઝરત સૈયદ મુહમ્મદ મદની મિયાં અશરફી સાહેબે હાજર જનોને બૈત કરાવી હતી. તેમના હસ્તે ‘દીન-એ -કામિલ’ તેમજ ‘નિકાહ,આઇના ઔર હમ’ પુસ્તક નું વિમોચન કરવામાં આવ્યું હતું. સૈયદ કાસીમ મિયાં અશરફીએ શાનદાર તકરીર કરી હાજર જનોને ખુશ કરી દીધા હતા.
શૈખુલ ઈસ્લામ ની શખ્સિયત પર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું હતું કે શૈખુલ ઈસ્લામ એક લાજવાબ ખતીબ, મુફતી,મુફસ્સિર,મુફક્કિર હોવા ઉપરાંત અસંખ્ય કિતાબો લખી છે જ્યારે કુરાન શરીફ ની તફસીર તફસીરે અશરફી તેમની સૌથી મોટી કરામત છે. ઈલ્મિ ક્ષેત્રે તો તેમનો દબદબો છે જ પરંતુ કૌટુંબિક ક્ષેત્રે પણ તેમના ભાઈઓ અને બહેનો અને તેમના સંતાનો તથા કુટુંબના અન્ય સભ્યો પ્રત્યે તેમનો વ્યવહાર અનુસરણીય છે. તેમ જણાવી તમામ મુરીદો ને જો સફળતા પ્રાપ્ત કરવી હોય તો પોતાના પીરના નકશે કદમ પર ચાલવા અપીલ કરી હતી.અંતમાં તેમણે દુઆ ફરમાવી હતી.
આ કાર્યક્રમમાં સૈયદ તલ્હા અશરફ,સૈયદ સમદાની અશરફ,સૈયદ સકલૈન અશરફ ,સૈયદ કરીમ અશરફ,સૈયદ અદનાન અશરફ, અર્શદ અશરફ સહિત કુટુંબના સભ્યો,દેશ અને રાજ્યભરમાંથી અશરફી સિલસિલાના ખલીફાઓ, મુરીદો અને અકીદતમંદોએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહી શૈખુલ ઇસ્લામ ની ઝિયારત કરી હતી.
કાર્યક્રમના અંતે હાજર જનોને ન્યાજ ખવડાવવામાં આવી હતી. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ના અગ્રણી જનાબ શૌક્ત ખાન અશરફી એ પ્રોગ્રામ નું સફળ સંચાલન કર્યું હતું અને અંતે તમામ મહેમાનો નો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટ ના સભ્યો અને સ્વયં સેવકોએ ખડેપગે સેવા બજાવી હતી.
