અમદાવાદ: અમદાવાદના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે શહેરનું ગૌરવ વધાર્યું છે. રિવરસાઈડ સ્કૂલના દેવાંશ અવતારમણી અને આર. સૈરામ રક્ષિત તથા અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલના શીલ મહેતાએ હૈદરાબાદ ખાતે યોજાયેલા વર્લ્ડ રોબોટ ઓલિમ્પિયાડ (WRO) નેશનલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
આ ત્રિપૂટીએ દેશભરના 40થી વધુ ટીમો અને આઈઆઈટી મુંબઈ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સામે મુકાબલો કરી એડવાન્સ્ડ ફ્યુચર એન્જિનિયર્સ કેટેગરીમાં વિજય મેળવ્યો હતો.
અહીં તેમને એક એવું સ્ટિયરિંગ-ડ્રાઈવ રોબોટ ડિઝાઇન કરવાનું હતું, જે સ્વયંચાલિત રીતે ટ્રેક પર દોડે,જેમાં તેમણે સફળતા હાંસલ કરી હતી.
રાષ્ટ્રીય સ્તરની આ સ્પર્ધા ઇન્ડિયા STEM ફાઉન્ડેશન દ્વારા આયોજિત અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા માન્ય કરાયેલ હતી, જેમાં સર્જનાત્મકતા સાથે ઊંડા ટેક્નિકલ કૌશલ્યની ચકાસણી થઈ હતી. અમદાવાદની ટીમે પોતાની સફળતાનું શ્રેય પ્રહલાદનગર સ્થિત રોબોટ્રોનિક્સ ક્લબ તેમજ માતાપિતાની માર્ગદર્શન અને પ્રોત્સાહનને આપ્યું હતું.
આ વિજય સાથે વિધાર્થીઓને આ નવેમ્બરમાં સિંગાપોરમાં યોજાનારી WRO ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને વિશ્વના શ્રેષ્ઠ યુવા રોબોટિક્સ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સામે સ્પર્ધા કરશે.
