• બંગાળી સમાજની બહેનોએ માઁ દુર્ગા સાથે સિંદુર ખેલા ની ઉજવણી કરી
• સિંદૂર ખેલાની વિઘી સાથે માઁ દુર્ગા ને આપવામાં આવી વિદાય
બંગાળી સમાજમાં નવરાત્રિના નવ દિવસ પૂજા-પાઠ બાદ દશમીના દિવસે સિંદૂર રમવાની પરંપરા છે, જેને સિંદૂર ખેલા નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે પરણિતા મહિલાઓ એકબીજા સાથે સિંદૂરની હોળી રમે છે.
નવરાત્રિમાં માતા દુર્ગા 10 દિવસ માટે પિયર આવે છે. વિવિધ જગ્યાએ તેમના પંડાલ સજે છે. આ નવ દિવસોમાં માતા દુર્ગાની પૂજા અને આરાધના કરવામાં આવે છે અને દશમીએ સિંદૂરની હોળી રમીને માતા દુર્ગાને વિદાય આપવામાં આવે છે. નવરાત્રિમાં જે પ્રકારે દીકરી પિયર આવે ત્યારે તેની સેવા કરવામાં આવે છે, તે જ પ્રકારે માતા દુર્ગાની પણ ખૂબ જ સેવા કરવામાં આવે છે. દશમીના દિવસે માતા દુર્ગા જ્યારે સાસરે પાછા ફરે છે ત્યારે તેમનો સાજ-શ્રૃંગાર કરીને સિંદૂર લગાવીને વિદાય આપવામાં આવે છે.
એકબીજા સાથે સિંદૂરની હોળી રમતાં પહેલાં આસોપાલવના પાનથી માતા દુર્ગાના ગાલને સ્પર્શ કરવામાં આવે છે. ત્યાર બાદ તેમની માંગ અને માથા ઉપર સિંદૂર લગાવવામાં આવે છે. ત્યાર બાદ માતાને મીઠાઈ ખવડાવીને ભોગ ધરાવવામાં આવે છે. ત્યાર બાદ બધી મહિલાઓ એકબીજાને સિંદૂર લગાવીને સુહાગની લાંબી ઉંમરની કામના કરે છે.
બંગાળ કલ્ચરલ એસોસિયેશન ના જનરલ સેક્રેટરી શ્રી અનલ મુખર્જી એ જણાવ્યું કે, ” આ વર્ષમાં રોજ ૧૦,૦૦૦ થી વધુ ભક્તો એ કાલીબારી દુર્ગા પૂજાનું આનંદ માણ્યા છે. વરસાદ હોવા છતા ભક્તો ના ઉત્સાહમાં કોઈ કમી નહીં દેખાયા. ”
ભીની આંખે દેવીને વિદાય આપવામાં આવે છેઃ-
જોકે, સિંદૂર ખેલાનો રિવાજ માત્ર પરણિત મહિલાઓ માટે જ હોય છે પરંતુ કુંવારી યુવતીઓ પણ હવે આ રિવાજને નિભાવે છે જેથી તેમને સારો અને મનગમતો વર મળી શકે. તે સુહાગના લાંબા આયુષ્યની કામનાઓનું પ્રતીક છે. આ રિવાજને નિભાવતી વખતે સંપૂર્ણ વાતાવરણ ઉમંગ અને મસ્તીથી ભરપૂર બને છે. ત્યાર બાદ માતાને વસર્જિત કરવાનો સમય આવે છે અને બધા જ ભીની આંખે ‘માં ચોલે છે સસુર બાડી એટલે માતા ચાલી સાસરે’ ગીત ગાવા લાગે છે અને વર્ષ પછી ફરી આવવાની કામના કરીને વિસર્જિત કરે છે.
શક્તિ વધારવા માટે ધુનુચિ નૃત્ય કરવામાં આવે છેઃ-
દુર્ગા પૂજામાં ધુનુચી નૃત્ય ખાસ છે. ધુનુચી માટીથી બનેલાં વાસણ હોય છે જેમાં નારિયેળની છાલ પ્રગટાવીને માતાની આરતી કરવામાં આવે છે. ધુનુચી નૃત્ય હકીકતમાં શક્તિ નૃત્ય છે. બંગાળ પૂજા પરંપરામાં આ નૃત્ય ભવાનીની શક્તિ અને ઊર્જા વધારવા માટે કરવામાં આવે છે. ધુનુચીમાં નારિયેળની જટા અને રેશા તથા હવન સામગ્રી રાખવામાં આવે છે. તેનાથી જ આરતી કરવામાં આવે છે. ધુનુચી નૃત્ય સાતમથી શરૂ થાય છે અને નોમ સુધી ચાલે છે.
YOUTUBE LINK:-
https://youtu.be/Oq7qar6dbWM?si=j6htS0hDq2ACWYGz :-
