કેડિલા ફાર્માસ્યુટિકલ્સ કંપની દ્વારા આજે તેના ફાઉન્ડર(સંસ્થાપક) ચેરમેન શ્રી ઇન્દ્રવદન મોદીની 100મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી મોદી એક અગ્રણી સ્વપ્નદ્રષ્ટા હતા તથા તેમને ભારતીય ફાર્મસીના પિતા તરીકે વ્યાપકપણે સન્માનિત કરવામાં આવે છે.
એવા સમયે, જ્યારે ભારતનું ફાર્માસ્યુટિકલ ઇકોસિસ્ટમ પ્રારંભિક તબક્કામાં હતું અને ઘણુંખરું આયાત પર નિર્ભર હતું, ત્યારે શ્રી ઇન્દ્રવદન મોદીએ એક આત્મનિર્ભર હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તાત્કાલિક જરૂરિયાત ઊભી થવાનો પહેલાં જ અંદાજ લગાવી દીધો હતો. અતૂટ વિશ્વાસ અને રાષ્ટ્રીય ઉદ્દેશ્યની ઊંડી ભાવના સાથે, તેમણે કેડિલા ફાર્માસ્યુટિકલ્સનો પાયો નાખ્યો હતો. આ મજબૂત આધાર એવા વિશ્વાસથી પ્રેરિત હતો કે, ગુણવત્તાયુક્ત દવાઓ દરેક ભારતીય માટે સસ્તી અને સરળતાથી ઉપલબ્ધ થવી જોઈએ.
ભારતમાં એવા સમયે, જ્યારે સ્વદેશી દવા ઉત્પાદન મર્યાદિત હતું અને વૈજ્ઞાનિક સંસાધનોની અછત હતી, શ્રી ઇન્દ્રવદન મોદીએ રિસર્ચ, સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓ અને ટેલેન્ટ ડેવલપમેન્ટમાં રોકાણ કરીને અસાધારણ દૂરંદેશી દર્શાવી હતી. તેમનું વિઝન બિઝનેસથી આગળ વધીને હેલ્થકેર(આરોગ્યસંભાળ), નીતિશાસ્ત્ર અને ઈનોવેશન દ્વારા રાષ્ટ્ર નિર્માણ સુધીનું હતું.
વિતેલાં કેટલાક દાયકાઓમાં, કેડિલા ફાર્માસ્યુટિકલ્સ કંપની, ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં એક વિશ્વસનીય નામ તરીકે વિકસીત થઈ છે. આ પ્રસિધ્ધ ફાર્મા બ્રાંડ, તેના સંસ્થાપકની પ્રામાણિકતા, કરુણા અને વૈજ્ઞાનિક શ્રેષ્ઠતાના સિદ્ધાંતોને નિરંતર આગળ વધારી રહી છે. કંપનીનો વિકાસ, આયાત નિર્ભરતાથી વિશ્વના અગ્રણી સસ્તા દવાઓના સપ્લાયર્સમાંના એક બનવા સુધી, ભારતના ફાર્મા સેક્ટરમાં આવેલું પરિવર્તન દર્શાવે છે.
આ પ્રસંગે, ડૉ. રાજીવ મોદીએ કહ્યું હતું કે, “મારા પિતા પ્રબળ રીતે માનતા હતા કે, દવાઓ ફક્ત ઉત્પાદનો જ નથી, પરંતુ તે એક સામાજિક જવાબદારી પણ છે. તેમણે જ્યારે કેડિલા શરૂ કર્યું હતું, ત્યારે ભારતમાં મજબૂત ફાર્માસ્યુટિકલ આધારનો અભાવ હતો. તેમ છતાં ભારતીય વિજ્ઞાનમાં તેમનો વિશ્વાસ અને સમાજ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા ક્યારેય ડગમગી ન હતી. તેમની શતાબ્દીની ઉજવણી કરતી વખતે, અમે તેમના વિઝન, નૈતિક અને સરળ રીતે ઉપલબ્ધ હોય એવી આરોગ્યસંભાળ દ્વારા માનવતાની સેવા કરવાની અમારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ.”
એક સદી બાદ પણ, તેમના આદર્શો વૈજ્ઞાનિકો, હેલ્થકેર પ્રોફેશનલ્સ અને કેડિલિયનોની પેઢીઓને સતત પ્રેરણા આપે છે. આની સાથે જ, તે એ માન્યતાને વધુ મજબૂત બનાવે છે કે, સાચું નેતૃત્વ ફક્ત સફળતા દ્વારા જ નહીં, પરંતુ પ્રભાવશાળી અસર દ્વારા માપવામાં આવે છે.
