સિંગાપોરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની વાર્ષિક બેઠક પછી, ક્રિકેટની દુનિયા માટે એક ઐતિહાસિક સમાચાર આવ્યા. ICC એ એસોસિયેટ સભ્યો તરીકે બે નવી ટીમોનો સમાવેશ કર્યો છે. આ નિર્ણય સાથે, ICC ના કુલ સભ્યોની સંખ્યા હવે 110 થઈ ગઈ છે. આ પગલું વૈશ્વિક લેવલ પર ક્રિકેટને વધુ લોકપ્રિય બનાવવા અને નવા ક્ષેત્રોમાં તેના વિકાસને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે.
બોર્ડે એક પ્રેસ રિલીઝમાં જાહેરાત કરી છે કે, તિમોર અને ઝામ્બિયા ICC ના નવા સભ્યો બન્યા છે. તિમોર-લેસ્ટે ક્રિકેટ ફેડરેશન અને ઝામ્બિયા ક્રિકેટ યુનિયનને ઔપચારિક રીતે ICC ના એસોસિયેટ સભ્યો તરીકે સામેલ કરવામાં આવ્યા છે. ICC એ જણાવ્યું હતું કે, ‘ICC પરિવારમાં બે નવા સભ્યો જોડાયા છે, જેનાથી સભ્યોની કુલ સંખ્યા 110 થઈ ગઈ છે, જેમાં તિમોર-લેસ્ટે ક્રિકેટ ફેડરેશન અને ઝામ્બિયા ક્રિકેટ યુનિયન ઔપચારિક રીતે ICC ના એસોસિયેટ સભ્યો બન્યા છે.’
આ બે ટિમો જોડાઈ:-
ઝામ્બિયા ICC માં જોડાનાર 22મો આફ્રિકન દેશ બન્યો છે. બીજી તરફ, તિમોર-લેસ્ટે હવે પૂર્વ એશિયા પેસિફિક ક્ષેત્રનો 10મો એસોસિયેટ સભ્ય છે, અને 22 વર્ષ પહેલાં 2003 માં ફિલિપાઇન્સ જોડાયા પછી તે પહેલો દેશ છે. તાજેતરના વર્ષોમાં તિમોર-લેસ્ટેમાં ક્રિકેટ શરૂ થયું છે, અને આ રમત ત્યાંના યુવાનોમાં વધુને વધુ લોકપ્રિય બની રહી છે. આવી સ્થિતિમાં, તિમોર-લેસ્ટેને હવે મોટા આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં રમવાની તક મળશે.
ઝામ્બિયાની થઇ વાપસી
ઝામ્બિયા ક્રિકેટ યુનિયનનું ICC માં વાપસી એક પ્રેરણાદાયક કહાની છે. ઝામ્બિયાને 2003 માં ICC નું એસોસિયેટ સભ્યપદ મળ્યું હતું, પરંતુ શાસન અને પાલનના મુદ્દાઓને કારણે 2019 માં તેનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. 2021 માં, ઝામ્બિયાને ICC માંથી હાંકી કાઢવામાં આવ્યું હતું, પરંતુ હવે ચાર વર્ષ પછી, ઝામ્બિયાએ તેની વહીવટી અને એસોસિયેટ ખામીઓને દૂર કરીને એસોસિયેટ સભ્યપદ પાછું મેળવ્યું છે. ક્રિકેટના ક્ષેત્રમાં ઝામ્બિયા માટે આ એક નવી શરૂઆત છે.
