આણંદ, ગુરૂવાર : આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાને રાખીને તારીખ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. બોરસદ ચોકડીથી બસ સ્ટેશન રોડ પર આવેલા સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ અને પાણીપુરીની લારીઓ પર હાથ ધરવામાં આવેલ આ આકસ્મિક તપાસ અંતર્ગત કુલ ૧૭ જેટલી જગ્યાઓએ તપાસ કરી ખાદ્યપદાર્થોની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસર્સ દ્વારા તમામ સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓને સેનિટેશન અને હાઈજીન જાળવવા અંગે કડક સૂચનાઓ તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે જ વિક્રેતાઓને ફરજિયાતપણે એપ્રોન, કેપ અને ગ્લોવઝ પહેરવા તેમજ ધંધાના સ્થળે નિયમિત સાફ-સફાઈ રાખવા તાકીદ કરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન ખાદ્યપદાર્થોની શુદ્ધતા ચકાસવા માટે કુલ ૦૫ નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેને લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવશે. તેમજ તપાસમાં જે સ્થળો પર સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો, ત્યાં ૧૦ લિટર બિન-આરોગ્યપ્રદ ચટણી અને ૪ પેકેટ વાસી પાઉંના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો
આણંદ :- કુશ ભોઈ
