* આ CSR પહેલ સાથે, ગોપાલ સ્નેક્સ કંપની, બાળકો માટે સ્વસ્થ ભવિષ્યનું નિર્માણ કરવા માટે એક ઉમદા પ્રયાસમાં રોકાણ કરી રહી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવાનો, પાચનમાં મદદ કરવાનો તેમજ સમગ્ર શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરવાનો છે.
રાજકોટ: ભારતમાં સંગઠિત પરંપરાગત નાસ્તા ક્ષેત્રે અગ્રણી, ગોપાલ સ્નેક્સ લિમિટેડ કંપનીએ તેના CSR(કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) બજેટનો 100 ટકા હિસ્સો “મંત્રૌષધિ સુવર્ણપ્રાશન મૂવમેન્ટ” માટે સમર્પિત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહલ, એ બાળકોમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરતી પ્રિવેન્ટીવ હેલ્થકેર (નિવારક આરોગ્યસંભાળ) પહેલ છે.
ગોપાલ સ્નેક્સ લિમિટેડ, મે-2023 થી આ પ્રોગ્રામ સાથે એક ડોનર (દાતા) તરીકે સંકળાયેલી છે અને હાલમાં આ પહેલ માટે વાર્ષિક લગભગ રૂ.1.5 કરોડ ફાળવે છે, જેનાથી દર મહિને સાત લાખથી વધુ બાળકોને લાભ થાય છે.
જ્યારથી ગોપાલ સ્નેક્સના આ પ્રોગ્રામ સાથે જોડાઈ છે, માત્ર ત્રણ થી સાત ડોઝ લીધા પછી જ, મોટી સંખ્યામાં બાળકોની રોગપ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર સુધારો થયો છે. અનેક કિસ્સાઓમાં, વારંવાર થતી સ્વાસ્થ્ય સમસ્યાઓ અને ગંભીર કોમ્પ્લિકેશન (જટિલતા) ધરાવતા બાળકોને પણ મજબૂત રોગપ્રતિકારક શક્તિને કારણે ફાયદો થયો છે.
સમય જતાં સુવર્ણપ્રાશનની પ્રેક્ટિસ ઓછી થઈ હતી, પરંતુ વારાણસીના શ્રી વિશ્વનાથ દાતારજીએ આયુર્વેદિક શાસ્ત્રોમાં વ્યાપક રિસર્ચ કરીને તેને પુનર્જીવિત કરી હતી. તેમણે મૂળ રચના અને પદ્ધતિને પુનઃસ્થાપિત કરવા માટે 38 વર્ષથી વધુ અભ્યાસ અને પ્રયોગો કર્યા. તેમણે 1970 માં નિશુલ્ક “મંત્રોષધિ સુવર્ણપ્રાશનમ મૂવમેન્ટ” શરૂ કરી હતી અને આજે 55 વર્ષ પછી, આ પહેલ ભારતભરમાં 850 થી વધુ કેન્દ્રો દ્વારા સતત કાર્યરત છે, જેમાં 1600+ સ્વયંસેવકો આ જ હેતુ માટે કાર્યરત છે. આ પહેલ, પ્રિવેન્ટીવ હેલ્થકેર અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના ઉદ્દેશ્યો સાથે સંકળાયેલી છે. આ ચળવળે બાળ સ્વાસ્થ્યને પ્રણાલીગત સ્તરે સંબોધિત કરીને અને સમાજ અને સંસ્થાઓને સકારાત્મક ટકાઉ પરિવર્તન તરફ ગતિશીલ બનાવીને લાંબાગાળાની કાયમી અસર ઉપજાવી છે.
