“રૂટ્સ ટુ રાઉટસ” (“Roots to Routes”)
પંડિત અતુલ – સંધ્યા દેસાઈ ફાઉન્ડેશનની સ્થાપના સને 2014ના વર્ષમાં સુ.શ્રી સંધ્યા દેસાઈ દ્વારા તેમના પતિ અને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના દેશના અગ્રગણ્ય કલાકાર પંડિત અતુલ દેસાઈની સંગીતમય વ્યક્તિત્વ અને કલાની સ્મૃતિમાં કરવામાં આવી હતી. પંડિત અતુલ દેસાઈ ઉચ્ચ કક્ષાના ગાયક કલાકાર હતા અને તેઓએ શાસ્ત્રીય ગાયનની તાલીમ ગ્વાલિયર ઘરાનાના જગવિખ્યાત પંડિત ઓમકારનાથ ઠાકુર પાસેથી હાંસલ કરેલ હતી. પંડિત અતુલ દેસાઈએ શાસ્ત્રીય ગાયન, કથક નૃત્યના તેમના અદભુત સંગીત સંયોજન થકી અપૂર્વ લોકપ્રિયતા હાંસલ કરેલ છે. પંડિત અતુલ દેસાઈને તેમના શાસ્ત્રીય સંગીત અને ઉત્તમ સંગીત રચનાઓ માટે સંગીત નાટક અકાદમીનો રાષ્ટ્રપતિ એવોર્ડ પણ એનાયત કરવામાં આવેલ હતો .
સુશ્રી સંધ્યા દેસાઈએ જગવિખ્યાત કથક નૃત્યાંગના અને પદ્મવિભૂષણ એવોર્ડથી સન્માનિત એવા શ્રીમતી કુમુદિની લાખિયા પાસેથી કથક નૃત્યની તાલીમ લીધી હતી, અને તેઓએ 40 વર્ષથી પણ વધુ સમય સુધી દેશ -વિદેશમાં તેમના કથક નૃત્યની વિવિધ પ્રસ્તુતિઓ થકી ખુબ ઉમદા લોકપ્રિયતા હાંસલ કરેલ હતી. તેઓ ઉચ્ચ કક્ષાની અને વિખ્યાત “કદંબ સ્કૂલ ઓફ ડાન્સ” ના કથક ખુબ અગ્રગણ્ય શિક્ષિકા અને જાણીતા કથકગુરુ હતા. તેઓને ગુજરાત રાજ્ય દ્વારા કથક નૃત્ય ક્ષેત્રે તેમના આગવા અને અદ્વિતીય પ્રદાન માટે સન 1997માં એવોર્ડ પણ આપવામાં આવેલ હતો. તેઓએ નોર્થ અમેરિકામાં પેહલો કથક ઉત્સવ શરુ કર્યો હતો જેમાં પંડિત બિરજુ મહારાજ, શ્રીમતી કુમુદિની લાખિયા અને ચિત્રેશ દાસ વિગેરેએ ભાગ લીધેલ હતો. તેઓએ કથક નૃત્યના ક્ષેત્રમાં અમેરિકા અને કેનેડામાં ખુબ સરાહનીય અને પ્રશંશાપાત્ર કામ કરેલ હતું જેમના થકી તેઓને ખુબ બહોળી પ્રસિદ્ધિ અને લોકચાહના પ્રાપ્ત થયેલ હતી.
પંડિત અતુલ – સંધ્યા દેસાઈ ફાઉન્ડેશનની સ્થાપનાના મુખ્ય હેતુઓમાં ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્યનો બહુમૂલ્ય વારસો અને તેની ધરોહરને જાળવી રાખવાનો, વર્તમાન યુવા પેઢીમાં તેની સભાન રુચિ જળવાઈ રહે તે અંગે સઘન પ્રયત્નો, યુવા પેઢીના ઉગતા કલાકારોને સ્પર્ધામાં આમંત્રણ આપી અને તેમને પુરસ્કારથી નવાજવા અને શિષ્યવૃતિ આપવી, યુવા પેઢીને શાસ્ત્રીય કંઠ્ય સંગીત, તાલ-વાદ્ય અને કથક નૃત્યના વિષયો ઉપર નિષ્ણાત કલાકારો દ્વારા પદ્ધતિસર સમજ આપવી અને તેની પ્રસ્તૃતિ વિગેરે જેવા મુખ્ય હેતુઓ છે અને છેલ્લા 12 વર્ષથી આ ફાઉન્ડેશન એમાં સતત પ્રયત્નશીલ અને કાર્યરત છે.
આ વર્ષે ફાઉન્ડેશન દ્વારા “રૂટ્સ ટુ રાઉટસ” (“Roots to Routes”) ના શીર્ષકને સાર્થક કરતા એવા બે દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આપણા ભારતીય શાસ્ત્રીય કંઠ્ય સંગીત અને કથક નૃત્ય કલાઓના વેદિક કાળથી ધરબાયેલ મૂળિયાં, પંડિતો અને ઉસ્તાદો દ્વારા સદીઓથી થતી આવતી કલા અને વૈવિધ્યપૂર્ણ પેશકશ અને તેની અવનવી મંજિલો અને રાહ ઉપરની સફરની સમજ આપી અને આપણાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત અને નૃત્યકલાના મોંઘા વારસાની જાળવણી કરવાનો અને આજના યુવાધન અને યુવાપેઢી આપણી આ સન્માનનીય ધરોહરને વધુ સારી રીતે સમજે, શીખે અને તેની સાથે મોટી સંખ્યામાં સંલગ્ન થવાનો પ્રયત્ન કરે, એ પ્રકારનો ફાઉન્ડેશનની સ્થાપિત ઉદ્દેશ સર કરવાનો છે.
પ્રથમ દિવસે, શનિવાર, તારીખ 31/01/2026 (પંડિત અતુલ દેસાઈની જન્મ જયંતિદિન) ના રોજ સાંજે 5.30 થી 8.30 દરમ્યાન, એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજીના લેક્ચર હોલમાં, સેન્ટ ઝેવિયર્સ કોલેજ પાસે, એલ. ડી. એન્જીનીયયિંગ કોલેજની સામે, અમદાવાદ ખાતે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના ખ્યાતનામ કલાકાર અને ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટસ, અમદાવાદના સંશોધક અને ડાયરેક્ટર ડૉ. વિરાજ અમરના કંઠ્ય ગાયન અને ત્યારબાદ શાસ્ત્રીય સંગીત વિષય ઉપર સંવાદમય પરિચર્ચા પ્રસ્તુત કરવામાં આવશે જેથી કરીને ખાસ કરીને યુવા પેઢીના શ્રોતાઓ શાસ્ત્રીય સંગીતના તાણાવાણા અને તે વિષે વધુ સારી સમજ મેળવી તેને બિરદાવી શકે.
બીજા દિવસે, રવિવાર, તારીખ 1 ફેબ્રુઆરી, 2026ના રોજ સાંજે 5.30 થી 7.30 દરમ્યાન નહેરુ ફાઉન્ડેશન, આકાશનીમ બંગલૉઝ સામે, થલતેજ ટેકરા, અમદાવાદ – 380054 ખાતે, પ્રસિદ્ધ અને ખુબ જ જાણીતા કથક નૃત્યાંગના સુશ્રી, વૈશાલી ત્રિવેદી, જેઓ સંગતિ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સના ડાયરેક્ટર અને કથક નૃત્યના રિસર્ચર પણ છે, તેઓ અને તેમના શિષ્યો દ્વારા કથક નૃત્યની વિવિધ પ્રસ્તુતિઓ રજુ થશે. આ પ્રસ્તુતિઓમાં અમુકની સંગીત રચનાઓ પંડિત અતુલ દેસાઈ દ્વારા સ્વર અને તાલબદ્ધ કરવામાં આવેલી છે. તેઓ એક કુશળ ગાયક કલાકાર પણ છે અને તેમના દ્વારા પંડિત અતુલ દેસાઈની સ્વરબદ્ધ કરેલી કેટલીક રચનાઓ પણ રજુ થશે.
આ બંને દિવસના કાર્યક્રમ પણ અમદાવાદના ગૌરવ લેવા જેવા સ્થળ ઉપર રાખવામાં આવેલ છે.પ્રથમ દિવસે, વિશ્વ વિખ્યાત સ્થપતિ શ્રી બી. વી. દોશી દ્વારા નિર્મિત એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી સંસ્થા ખાતે છે, અને બીજા દિવસનો કાર્યક્રમ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈ દ્વારા સ્થાપિત નહેરુ ફાઉન્ડેશન, સંસ્થા ખાતે રાખેલ છે. કાર્યક્રમ માણવા આવનાર દરેક શ્રોતાઓને આપ બંને સંસ્થા ખાતે કાર્યક્રમ માણવાનો કંઈક જુદો જ આનંદ આવશે.
આ બંને દિવસના કાર્યક્રમ અમદાવાદની સંગીત અને નૃત્ય પ્રેમી જનતા અને તમામ માટે નિઃશુલ્ક પ્રવેશના ધોરણે યોજવામાં આવેલ છે જેથી સૌ કોઈ આનો વધુમાં વધુ લાભ લઇ શકે.
