• પ્રધાને “AI for Manufacturing Engineering Technology (AI-MET)” અંગે વ્હાઇટ પેપર કન્સેપ્ટ લોન્ચ કર્યો જેથી જવાબદાર અને વ્યાપક રીતે એઆઈ અપનાવવાને પ્રોત્સાહન મળે
• આ સેશનમાં ડો. એરિક ગ્રીમસન (ચાન્સેલર ફોર એકેડમિક એડવાન્સમેન્ટ, એમઆઈટી) તથા શ્રી પ્રવીણ પંચગ્નુલા (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, મેન્યુફેક્ચરિંગ એન્ડ કોંગ્લોમરેટ્સ, માઇક્રોસોફ્ટ ઈન્ડિયા), શ્રી વેણુ નુગુરી (એમડી અને સીઈઓ, ઈન્ડિયા એન્ડ સાઉથ એશિયા, હિતાચી એનર્જી અને એમડી, હિતાચી ઈન્ડિયા), ડો. બોબી મિત્રા (સીઆઈઓ અને પ્રેસિડેન્ટ – એઆઈ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ટાટા ઇલેક્ટ્રોનિક્સ), શ્રી દિલીપ સાહની (મેનેજિંગ ડિરેક્ટર – ઈન્ડિયા, રોકવેલ ઓટોમેશન), શ્રી વિનોદ કરુમમપોયિલ (ડિરેક્ટર – ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, સિસ્કો) અને સુશ્રી સ્વપ્ના બાપટ (એમડી અને વાઇસ પ્રેસિડેન્ટ – ઈન્ડિયા એન્ડ સાર્ક, પાલો અલ્ટો નેટવર્ક્સ) સહિતના ઉદ્યોગજગતના દિગ્ગજોએ હાજરી આપી હતી.
નવી દિલ્હી:-
કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન શ્રી અશ્વિની વૈષ્ણવે ઉદ્યોગ જગત, વિશ્વભરના શિક્ષણવિદો, નીતિ ઘડનારાઓ અને ટેક્નોલોજી નિષ્ણાંતોને સમાવતી એક વ્યૂહાત્મક બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું. આ બેઠકમાં ભારતની એઆઈ પ્રાથમિકતાઓ, ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ ટેક્નોલોજી (એમઈટી) માટે, સ્પષ્ટ કરવામાં આવી હતી તથા ટેક્નોલોજી અપનાવવા, કુશળતાઓ વિકસાવવા અને સમાવેશક વૃદ્ધિ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
ઈન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 ખાતે આ બેઠક ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના નેતૃત્વ હેઠળ નેમટેક દ્વારા યોજવામાં આવી હતી. તેમાં માસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઈટી), ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી – મદ્રાસ (આઈઆઈટી-એમ) તથા અન્ય અગ્રણી યુનિવર્સિટીઓના શિક્ષણવિદો ઉપરાંત માઇક્રોસોફ્ટ ઈન્ડિયા, ડેલ ટેક્નોલોજીસ, સિસ્કો ઈન્ડિયા, હિતાચી ઈન્ડિયા, ટાટા ઇલેક્ટ્રોનિક્સ, રોકવેલ ઓટોમેશન, પાલો અલ્ટો નેટવર્ક્સ, પેપાલ અને ઇન્ટેલ સહિતની કંપનીઓના સી-સ્યૂટ એક્ઝિક્યુટિવ્સ એક મંચ પર આવ્યા હતા.
ઉદ્યોગ જગત, શિક્ષણ જગત અને સરકાર વચ્ચેની આ ચર્ચામાં ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓએ એઆઈને ભારતના ઔદ્યોગિક ક્ષેત્રોમાં ઉત્પાદકતા, સ્પર્ધાત્મકતા અને નવીનતા માટે પાયાના સક્ષમકર્તા તરીકે ગણાવી હતી જે 2047 સુધીમાં વિકસિત ભારતના દેશના વિઝન સાથે સંલગ્ન છે.
આ બેઠક ભારત મંડપમ ખાતે મે, 2025માં યોજાયેલી ઉદ્યોગ-શિક્ષણ જગતની રાઉન્ડટેબલ બેઠકની સફળતાના પગલે યોજવામાં આવી હતી, જેમાં ભારતમાં ઔદ્યોગિક પરિવર્તન લાવવા માટે સામૂહિક કામગીરીની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. પરિણામે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ ટેક્નોલોજી (એમઈટી) પ્લેટફોર્મની કલ્પના કરવામાં આવી રહી છે, જેનું આયોજન અને ઉત્પ્રેરણા નેમટેક દ્વારા કરવામાં આવ્યું છે જેથી ઉદ્યોગ જગત, શિક્ષણ જગત અને સરકારને એક સહિયારા ગવર્નન્સ અને એક્ઝિક્યુશન મોડલમાં સાથે લાવી શકાય અને મેન્યુફેક્ચરિંગને ભારતના ઝડપી વિકાસ તથા ડિકાર્બોનાઇઝેશન એજન્ડાના કેન્દ્રમાં મૂકી શકાય.
આ કાર્યક્રમમાં માનનીય પ્રધાન શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા “AI for Manufacturing, Engineering Technology (AI-MET)” પર વ્હાઇટ પેપર કન્સેપ્ટ પણ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ વ્હાઇટ પેપર કન્સેપ્ટ ઉત્પાદન અને તેને સંલગ્ન વેલ્યુ ચેઇનમાં એઆઈને લાગુ કરવા માટેની વ્યૂહાત્મક રૂપરેખા રજૂ કરે છે, જેથી ઉત્પાદકતા, ટકાઉપણું અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મકતા વધારી શકાય. તે ભારતની સમગ્ર એમઇટી ઇકોસિસ્ટમમાં એઆઈને સમાવવા માટે ઉદ્યોગ જગત, શિક્ષણ જગત અને નીતિ ઘડનારાઓ માટે સહયોગાત્મક માર્ગ બનાવવા માટેની પ્રક્રિયા રજૂ કરે છે.
આ કાર્યક્રમમાં શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ વિકસિત ભારત તરફની ભારતની સફરમાં એક પાયાનો સ્તંભ છે. એઆઈને મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ ટેક્નોલોજીમાં સંકલિત કરીને આપણે ઉત્પાદકતા વધારી શકીએ છીએ, સ્પર્ધાત્મકતા મજબૂત કરી શકીએ છીએ અને નવીનતા તથા ઉદ્યોગસાહસિકતા માટે નવી તકો ખોલી શકીએ છીએ. આપણું ધ્યાન એવી સમાવેશક એઆઈ ઇકોસિસ્ટમ બનાવવા પર છે જે ભવિષ્ય માટે ભારતના વર્કફોર્સને તૈયાર કરવાની સાથે વેપારી સાહસો અને એમએસએમઈને સશક્ત બનાવે. AI-MET વ્હાઇટ પેપર જેવી પહેલ ટેક્નોલોજીકલ ક્ષમતાને નક્કર પરિણામોમાં ફેરવવા માટે જરૂરરી સહયોગાત્મક તથા મિશન સંચાલિત અભિગમને દર્શાવે છે. મને ખુશી છે કે નેમટેકે આ સહિયારા રાષ્ટ્રીય ઉદ્દેશ્ય માટે ઉદ્યોગ જગત, શિક્ષણ જગત અને નીતિ ઘડનારાઓને એક કરવામાં આગેવાની લીધી છે. હું નેમટેકને વિનંતી કરું છું કે આ તકને આગામી સ્તરની પ્રતિભાઓ સુધી લઈ જાય જે ભારતને પ્રિસિઝન ઇક્વિપમેન્ટના અગ્રણી ઉત્પાદક તરીકે આગળ લાવવામાં સક્ષમ કરે.”
માસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઈટી), બોસ્ટન, અમેરિકાના ચાન્સેલર ફોર એકેડમિક એડવાન્સમેન્ટના પ્રોફેસર એરિક ગ્રીમસને ઉમેર્યું હતું કે, “ભારતની એઆઈ સફરનો આગામી તબક્કો ક્ષમતાથી ઉપયોગ તરફના પરિવર્તનની તેની ક્ષમતાથી નક્કી થશે, જેમાં ઉદ્યોગ, વેપારી સાહસો અને એમએસએમઈમાં એઆઈનો વ્યાપક ઉપયોગ તથા મોટાપાયે પ્રતિભાઓમાં રોકાણ થશે અને તે સુનિશ્ચિત કરશે કે નવીનતા સમાવેશક બની રહે. આના માટે શિક્ષણ જગત, ઉદ્યોગ જગત અને સરકાર વચ્ચે ટકાઉ સહયોગની જરૂર પડશે, જેથી એવી સિસ્ટમ ઊભી કરી શકાય જે સંશોધન અને ટેક્નોલોજીને વાસ્તવિક વિશ્વના પરિણામોમાં ફેરવી શકે.”
માઇક્રોસોફ્ટ ઈન્ડિયાના મેન્યુફેક્ચરિંગ એન્ડ કોન્ગ્લોમરેટ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી પ્રવીણ પંચગ્નુલાએ જણાવ્યું હતું કે, “ભારતના ઔદ્યોગિક ક્ષેત્રોમાં એઆઈની અસર શોપ ફ્લોર અને કોમ્પ્લેક્સ એન્જિનિયરિંગ સિસ્ટમ્સ પર તેને લાગુ કરવા પરથી નક્કી થશે. એમએસએમઈમાં તેને અપનાવવાને પ્રોત્સાહન તથા કર્મચારીઓનું લક્ષ્યાંકિત સ્કીલિંગ તથા અપસ્કીલિંગ સ્થિતિસ્થાપક અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક મેન્યુફેક્ચરિંગ વેલ્યુ ચેઇન ઊભી કરવા માટે મહત્વપૂર્ણ રહેશે.”
સિસ્કો ઈન્ડિયાના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ડિરેક્ટર શ્રી વિનોદ કરુમામપોયિલે જણાવ્યું હતું કે, “એઆઈ મોર્ડન મેન્યુફેક્ચરિંગનો અભિન્ન ભાગ બની ગઈ છે ત્યારે સમગ્ર વર્કફોર્સમાં ઉપયોગિતા સંચાલિત કુશળતાઓ ઊભી કરવી આવશ્યક બની ગઈ છે. ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેનો ઘનિષ્ઠ સહયોગ એ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ રહેશે કે એઆઈને જવાબદારીપૂર્વક અને મોટાપાયે લાગુ કરવા માટે તેમજ ભારતની મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમમાં ઉત્પાદકતા તથા સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવવા માટે પ્રતિભાઓ તૈયાર કરવામાં આવે.”
પાલો અલ્ટો નેટવર્ક્સના ઈન્ડિયા અને સાર્કના વાઇસ પ્રેસિડેન્ટ તથા એમડી સુશ્રી સ્વપ્ના બાપટે જણાવ્યું હતું કે, “સાયબરસિક્યોરિટી અને આઈટીના ક્ષેત્રે ખરાબ રીતે ડિઝાઇન કરવામાં આવેલી ઓપરેશનલ ટેક્નોલોજી (ઓટી) નોંધપાત્ર જોખમ ઊભું કરે છે. સુરક્ષિત અને એન્ટરપ્રાઇઝ ગ્રેડનું નેટવર્ક ડિઝાઇન કરવા માટે ત્રણ મહત્વના પરિબળો જરૂરી છે. એઆઈ મોર્ડન એન્જિનિયરિંગનો મહત્વનો ભાગ બની ગઈ છે ત્યારે આપણે સમગ્ર વર્કફોર્સમાં ઉપયોગિતા સંચાલિત કુશળતાઓ ઊભી કરવાને પ્રાથમિકતા આપવી જોઈએ. આપણું લક્ષ્ય શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેના અંતરને પુરવાનું, શાળાઓમાં આધુનિક નેટવર્ક સિક્યોરિટી સિદ્ધાંતો લાવવાનું હોવું જોઈએ, જેથી વિદ્યાર્થીઓ તાત્કાલિક કર્મચારીઓ તરીકે કંપનીઓમાં જોડાવા માટે તૈયાર રહી શકે.”
રોકવેલ ઓટોમેશનના મેનેજિંગ ડિરેક્ટર – ઈન્ડિયા શ્રી દિલીપ સાહનીએ ઉમેર્યું હતું કે, “ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે એઆઈની વાસ્તવિક અસર ત્યારે જણાશે જ્યારે તેને ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન સિસ્ટમમાં સંકલિત કરવામાં આવશે અને તમામ પ્રોડક્શન માહોલમાં મોટાપાયે લાગુ કરવામાં આવશે. ડિજિટલ ઇનોવેશન અને શોપ-ફ્લોર એક્ઝિક્યુશન વચ્ચેનું અંતર પૂરવા માટે ઉદ્યોગ જગત, શિક્ષણ જગત અને સરકાર વચ્ચે મજબૂત સહયોગની જરૂર છે. આના જેવી પહેલ એક એવી ઇકોસિસ્ટમ ઊભી કરશે, જે ટેક્નોલોજીને ઝડપથી અપનાવવા, વર્કફોર્સની ક્ષમતા મજબૂત બનાવવા અને ભારતની મેન્યુફેક્ચરિંગ વેલ્યુ ચેઇનની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા માટે જરૂરી છે.”
નેમટેકના સીઈઓ અને ઓપરેશનલ ડિરેક્ટર જનરલ ડો. ઇબ્રાહિમ હાફીઝુર રહેમાને જણાવ્યું હતું કે, “શિક્ષણને વાસ્તવિક વિશ્વના ઔદ્યોગિક ક્ષેત્રે સંકલિત કરીને નેમટેકનો ઉદ્દેશ્ય એ દર્શાવવાનો છે કે કેવી રીતે ઉપયોગિતા આધારિત શિક્ષણ પ્રતિભાઓને તાત્કાલિકપણે ઉત્પાદનના માહોલમાં કાર્યરત કરી શકે છે. એમઈટી પ્લેટફોર્મ અને ઉદ્યોગ તથા શિક્ષણ જગત સાથેની ભાગીદારીઓ થકી આ અભિગમથી વર્કફોર્સને ભારતના મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ ટેક્નોલોજી પરિવર્તન માટે તૈયાર કરવા સ્કેલેબલ મોડલ્સ બનાવવામાં મદદ મળી શકે છે.”
