સુરત,9 જુલાઈ 2025 :*સુરતના સતત વ્યસ્ત અને ભરચક રસ્તાઓથી લઈને ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત ડેન્ટલ કોલેજોમાંની એક સુધી, નીલમ શર્માની વાર્તા એ ખરેખર ઉત્સાહ, ખંત, સખત મહેનત અને દૃઢ નિશ્ચયની વાર્તા છે. શહેરના એક ફળ વેચનારના ઘરમાં જન્મેલી નીલમનું જીવન શરૂઆતથી જ આર્થિક સંઘર્ષથી ભરેલું રહ્યું હતું. જોકે, શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાએ તેમને એક અસાધારણ માર્ગ પર આગળ વધવા માટે પ્રેરણા આપી હતી, જે છેવટે તેમને સફળતા તરફ દોરી ગઈ હતી.
વર્ષ 2005માં નીલમ અમદાવાદમાં ગરીબ અને વંચિત બાળકો માટે રહેણાંકીય શૈક્ષણિક પહેલ, વિસામો કિડ્સ ફાઉન્ડેશનમાં ગઈ હતી. અહીં તેણીએ પોતાના શૈક્ષણિક સપનાઓને પોષિત કર્યા અને અથાગ મહેનત સાથે એવો પાયો તૈયાર કર્યો, જે ખરેખર તેની માટે જીવન બદલી નાખનારી સિદ્ધિ બની ગઈ. બે વર્ષની સખત તૈયારી પછી, નીલમે હવે અમદાવાદની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં ઓરલ મેડિસિન અને રેડિયોલોજીમાં સીટ મેળવી લીધી છે.
30,000 માંથી 1,230 મો ઓલ ઈન્ડિયા રેન્ક અને ગુજરાતમાં 400 માંથી 31 મો પ્રભાવશાળી રેન્ક સાથે, નીલમે માત્ર ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત ડેન્ટલ કોલેજોમાંની એકમાં પ્રવેશ જ નથી મેળવ્યો, પરંતુ તેના પરિવાર અને સમાજને કંઈક પરત આપવાના તેના સ્વપ્નને સાકાર કરવા તરફ એક મોટું પગલું પણ ભર્યું છે.નીલમે કહ્યું હતું કે, “મને ઘણીવાર લાગતું હતું કે, હું મારી કેરિયરમાં કોઈક જગ્યાએ અટકી ગઈ છું અને મારા ઘણા મિત્રોએ પહેલાથી જ પ્રવેશ મેળવી લીધો હતો. હું સતત નાણાકીય દબાણ અને આત્મ-શંકા સામે ઝઝૂમી રહી હતી. પરંતુ આજે, મને લાગે છે કે મારી મહેનત ખરેખર રંગ લાવી છે.”
તેણીએ વધુમાં ઉમેર્યું હતું કે, “આ સિદ્ધિ મારી એકલીની નથી, પરંતુ એ તમામ વ્યક્તિની છે, જેમણે મારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ખાસ કરીને, મારા માર્ગદર્શકો અને વિસામો કિડ્સ ફાઉન્ડેશન, જે ખરેખર એક પરિવારની જેમ મારી સાથે સતત ઉભા રહ્યા અને મને સતત મહેનત સાથે આગળ વધવાની પ્રેરણા આપી હતી.”વિસામો કિડ્સ ફાઉન્ડેશને નીલમની શૈક્ષણિક યાત્રા અને તેના વ્યક્તિગત વિકાસને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. સંસ્થાના માર્ગદર્શન, દેખભાળ અને સતત સમર્થન દ્વારા, નીલમે અવરોધોને સફળતા તરફ દોરી જનારા પગથિયાંમાં પરિવર્તિત કર્યા છે. હવે તે એવા ભવિષ્યની આશા કરે છે, જ્યાં તે બીજાઓની સેવા કરી શકે, તેના પિતાને ટેકો આપી શકે અને તેના જેવા અન્ય બાળકો માટે એક આદર્શ બની શકે.
