અમદાવાદ, 17 જુલાઈ, 2025:
ધ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાતે તેના પ્રતિષ્ઠિત નવરંગપુરા કેમ્પસમાં એક પ્રેરણાદાયી સમારોહના આયોજન સાથે તેનો 60મો ઉદ્ઘાટન દિવસ ભવ્ય રીતે ઉજવ્યો હતો. વર્ષ 1965 માં સ્થપાયેલી આ ક્લબે રમતગમત ક્ષેત્રે ગુજરાતની ઓળખ અને સામુદાયિક સંસ્કૃતિને આકાર આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. આ સંસ્થા આજે એક સાધારણ વિચારમાંથી ભારતની સૌથી સન્માનીય અને જીવંત ગતિશીલ બહુ-રમતગમત સંસ્થાઓમાંની એક તરીકે વિકસિત થઈ છે.
એક ઐતિહાસિક, રમતગમતની આકાંક્ષાનું પ્રતીક:*_આ સીમાચિહ્નરૂપ સંસ્થાનો પાયો દુરદર્શીતા ધરાવતા અગ્રણી લીડર્સ અને સ્થાપક સભ્યોની પ્રતિબદ્ધતાથી નંખાયો હતો, જેમણે ફિટનેસ, ફેલોશિપ અને રમતગમત માટે એક સુવિધાયુક્ત કેન્દ્રિય સ્થાન બનાવવાની કલ્પના કરી હતી. ક્લબની સ્થાપત્ય પ્રતિભાને સુપ્રસિદ્ધ ચાર્લ્સ કોરિયા દ્વારા જીવંત કરવામાં આવી હતી, જેમની કાલાતીત ડિઝાઇન આજે પણ પેઢીઓને પ્રેરણા આપે છે. છ દાયકાઓથી, આ ઇમારત અમદાવાદની પ્રગતિશીલ ભાવના અને રમતગમતની આકાંક્ષાનું પ્રતીક છે.શરૂઆતના દિવસે, ક્લબે તેના પ્રથમ પ્રમુખ ચિનુભાઈ ચીમનલાલને યાદ કર્યા, જેમણે 1963-67 સુધી સેવા આપી હતી. આની સાથે જ, જયકૃષ્ણ હરિવલ્લભદાસ (1967-70), અરવિંદ નરોત્તમભાઈ (1971-74) અને રોહિત મહેતા (1975) સહિત અન્ય ભૂતપૂર્વ પ્રમુખોને પણ યાદ કર્યા હતા, જેમણે સંસ્થાનો મજબૂત પાયો સુનિશ્ચિત કર્યો હતો.
એક એવું સ્થાન, જ્યાં દંતકથાઓ અને ઈતિહાસ બને છે:
_રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેમ્પિયન બનાવવાથી લઈને ઉચ્ચ કક્ષાની ટુર્નામેન્ટ અને તાલીમ શિબિરોનું આયોજન કરવા સુધી, ક્લબે હંમેશા રમતગમતને પ્રોત્સાહન આપવાનું પોતાનું ધ્યેય રાખ્યું છે. ઓલિમ્પિયન તરણવીર માના પટેલે આ જ ક્લબમાં સ્વિમિંગ શીખ્યું હતું. ગીત સેઠી અને અન્ય ઘણા ચેમ્પિયનના નામ ક્લબના કોરિડોરમાં ગુંજી રહ્યા છે, જે તેણે બનાવેલી ઇકોસિસ્ટમનો ગર્વ અનુભવે છે. આઠ વખતના બિલિયર્ડ્સ વર્લ્ડ ચેમ્પિયન પદ્મશ્રી ગીત સેઠી, બે વખતના બિલિયર્ડ્સ વર્લ્ડ ચેમ્પિયન રૂપેશ શાહ અને ઓસ્ટ્રેલિયન ઓપન બિલિયર્ડ્સ ચેમ્પિયન ધ્વજ હરિયા, એ પ્રખ્યાત ખેલાડીઓમાંના એક છે, જેમણે આ ક્લબમાં પોતાની કુશળતા નિખારી છે.
ICC ચેરમેન જય શાહ, મહાન ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન કપિલ દેવ, ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર પાર્થિવ પટેલ અને આંતરરાષ્ટ્રીય બિલિયર્ડ્સ અને સ્નૂકર ચેમ્પિયન પંકજ અડવાણી પણ આ ક્લબના માનદ સભ્યો છે.ઉલ્લેખનીય છે કે, ચેમ્પિયન સ્ક્વોશ ખેલાડી વેદાંત પટેલ, જેઓ રાષ્ટ્રીય સ્તરે 7મા ક્રમે છે, તેમને તાજેતરમાં ક્લબ દ્વારા પ્લેઇંગ મેમ્બર તરીકે સામેલ કરવામાં આવ્યા હતા. 26 વર્ષીય આ ખેલાડીએ અર્ન્સ્ટ એન્ડ યંગ ખાતે એક આરામદાયક પદ છોડીને પોતાને સંપૂર્ણપણે સ્ક્વોશ માટે સમર્પિત કરી દીધા છે. તેમનું લક્ષ્ય રાષ્ટ્રીય ચેમ્પિયન બનવાનું અને લોસ એન્જલસમાં 2028 ના ઓલિમ્પિકમાં દેશ માટે મેડલ જીતવાનું છે.
સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત-એક જીવંત સમુદાય:
_આ ઉજવણી ફક્ત ઇમારતો કે સુવિધાઓ વિશે જ નહોતી, પરંતુ લોકો વિશે પણ હતી. આ ક્લબ પેઢીઓ વચ્ચેના મજબૂત બંધનનો જીવંત વારસો છે, જ્યાં દાદા-દાદી, માતાપિતા અને બાળકો બધા એક સાથે મોટા થયા છે. આજે આ સંસ્થા 10,000+ સભ્યોનો એક જીવંત પરિવાર બની છે જે ફિટનેસ, ફેલોશિપ અને શ્રેષ્ઠતાના મૂલ્યો શેર કરે છે.સંસ્થાના પ્રમુખ એન.કે. પટેલે જણાવ્યું હતું કે, “સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત, એ માત્ર એક સ્થળ નથી, પરંતુ તે એક લાગણી છે. 60 વર્ષથી, તેણે રમતગમત, સંસ્કૃતિ અને કાલાતીત મૂલ્યો દ્વારા અમદાવાદના પરિવારોને એકજૂટ કર્યા છે. આ યાત્રાને શક્ય બનાવનાર દરેક સભ્ય સાથે આ સીમાચિહ્નની ઉજવણી કરવી એ ખરેખર અમારું સૌભાગ્ય છે.”
સ્થાના નવા લોગોનું અનાવરણ:
ડાયમંડ જ્યુબિલી નિમિત્તે, ક્લબે 60 વર્ષના ખાસ લોગોનું અનાવરણ કર્યું હતું અને તેની ઐતિહાસિક યાત્રા પર એક દસ્તાવેજી ફિલ્મ પ્રદર્શિત કરી હતી. આની સાથે જ સંસ્થા દ્વારા વર્ષભર દરમિયાન ચાલનારી રમતગમત ટુર્નામેન્ટ્સ, યુવા ઉત્સવો, સાંસ્કૃતિક કાર્યક્રમો, સામાજિક સેવા ઝુંબેશ દર્શાવતા ઉજવણી/ઉત્સવ કેલેન્ડરની જાહેરાત કરવામાં આવી હતી.
મૂલ્યોને જાળવી રાખવા સાથે એક નવી શરૂઆત:
જેમ-જેમ આ વારસો તેના સાતમા દાયકામાં પ્રવેશ કરી રહ્યો છે, ક્લબે તેના વિકસતા ભવિષ્યની એક ઝલક પણ શેર કરી છે.સંસ્થાના પ્રમુખે વધુમાં જણાવ્યુ હતું કે, “અમદાવાદના ઝડપી વિકાસ સાથે, અમે વિચારપૂર્વક આયોજન સાથે વિસ્તરણ કરી રહ્યા છીએ. શહેરના પશ્ચિમી પ્રદેશ (ચેખલા) માં હવે એક નવી સેટેલાઇટ સુવિધા વિકસાવવામાં આવી રહી છે, જેની રચના આપણા વારસા, શ્રેષ્ઠતા અને સમુદાયના મૂલ્યોને જાળવી રાખવા સાથે, ધ સ્પોર્ટ્સ ક્લબની ભાવનાને વધુ પરિવારો સુધી પહોંચાડના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી છે.”અહીં ઉપલબ્ધ થનારી વિવિધ સુવિધામાં રેસ્ટોરન્ટ, કાફે, બિલિયર્ડ્સ અને પૂલ રૂમ, સેટેલાઇટ થિયેટર, પિકલેબોલ કોર્ટ, સ્ક્વોશ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, ટેબલ ટેનિસ કોર્ટ, ટેનિસ કોર્ટ, સ્વિમિંગ પૂલ, બોક્સ ક્રિકેટ, ઇવેન્ટ લૉન, બેન્ક્વેટ એરિયા, રહેણાંક રૂમ, બાળકોના રમતના ક્ષેત્ર, પુસ્તકાલય અને કાર્ડ રૂમ સહિતનો સમાવેશ થાય છે.
