અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થઈ ગયો છે. 25 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી સુધી આ કાર્નિવલ યોજાશે જેમાં લોકો મફતમાં આવી શકે છે.
આ દરમિયાન તેમને અંદર પ્રવેશ કરવા માટે કોઈ ટિકિટની જરૂર નહીં પડે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
કાર્નિવલમાં દરરોજ પ્રખ્યાત કલાકારોનું પર્ફોર્મન્સ જોવા મળશે. જેમાં પહેલા જ દિવસે કિર્તીદાન ગઢવીનું પર્ફોર્મન્સ હતું.
આ સાથે જ લેઝર શો, સંગીત શો અને ડાન્સ સ્પર્ધા પણ યોજાશે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાનગરપાલિકાએ 25થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન કર્યું છે. 2025ના આ કાર્નિવલમાં અલગ-અલગ કાર્યક્રમો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કાંકરિયામાં ત્રણ સ્ટેજ બનાવવામાં આવ્યા છેઃ લોકો માટે કાંકરિયા સાત દિવસનો મનોરંજન મહોત્સવ બનશે.
25થી 31 ડિસેમ્બર દરમિયાન વિવિધ સાંસ્કૃતિક-રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.આ સિવાય ડ્રોન શો, પાયરો શો, સ્ટેન્ડ અપ કોમેડી શો, પેટ ફેશન શો, ડી.જે. નાઈટ, રોક બેન્ડ પર્ફોર્મન્સ તેમજ ગેમિંગ ઇવેન્ટનો સમાવેશ થાય છે. જ્યારે આ વખતના કાંકરિયા કાર્નિવલમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનશે. જેમાં કર્મચારીઓ દ્વારા સૌથી મોટું બલૂન મોઝેક તૈયાર કરવામાં આવશે. લોગો સાથેનું આ બલૂન મોઝેક તૈયાર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 3500 કરતા વધુ સફાઈ કર્મચારીઓ એકઠા થશે.
બીજી તરફ કાંકરિયામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત જળવાઈ રહે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્નિવલમાં દરરોજ લાખોની સંખ્યામાં લોકો આવશે. નાના બાળકો, મહિલાઓ સહિત તમામ લોકોની સુરક્ષા માટે કાંકરિયા પરિસરની અંદર અને બહાર 110થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કાંકરિયા પરિસરમાં આવનારા મુલાકાતીઓ માટે પર્સનલ એક્સિડેન્ટ ઇન્સ્યોરન્સ, ફાયર ઇન્સ્યોરન્સ તેમજ પબ્લિક લાયેબિલિટી માટે પાંચ હજાર કરોડની પોલિસી લેવામાં આવી છે. જરૂર જણાય ત્યારે કાંકરિયા પરિસરમાં ક્રાઉડ કંટ્રોલ મેકેનિઝમ સેટ કરી શકાશે. જ્યારે જરૂર જણાય ત્યારે કાંકરિયા ગેટના પરિસર દરવાજા બંધ કરવા સહિતની કાર્યવાહી પણ કરાશે.
