અમદાવાદ: દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS)-બોપલનો બે દિવસીય વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ, “ઉરુક્કલી 2025” પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
આ કાર્યક્રમમાં શાળાની ત્રણ દાયકાની સફર દર્શાવવામાં આવી હતી, જેમાં “પરિવર્તન: ગઈકાલ, આજ અને આવતીકાલ” થીમ હેઠળ પેઢીઓમાં થયેલાં પરિવર્તનને વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતી દ્વારા સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા હતા.
આ ભવ્ય ઉજવણીનો બીજો દિવસ પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજા, જાણીતા અભિનેત્રી દેવર્ષિ શાહ, DPS-બોપલના ડિરેક્ટર વંદના જોશી અને આચાર્ય સબીના સાહની, મોટી સંખ્યામાં વાલીઓ અને શુભેચ્છકોની હાજરીમાં યોજાયો હતો.
શાળાના વિવિધ ધોરણોના લગભગ 500 વિદ્યાર્થીઓએ પ્રસ્તુતિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં સંગીત, નૃત્ય અને નાટકના આયોજન સાથે શાળાના શરૂઆતના વર્ષોથી હાલના સમય સુધીના વિકાસને દર્શાવવામાં આવ્યો હતો. આની સાથે-સાથે ભવિષ્ય તરફ પણ નજર કરવામાં આવી હતી. સાંજની શરૂઆત શાળાના ગાયકવૃંદ દ્વારા સંગીતમય પ્રસ્તુતિ સાથે થઈ હતી, જેમાં ગાયિકા કેટી પેરીના ગીત “રોર” ને શાસ્ત્રીય રાગ યમનના શાંત સૂરો સાથે મિશ્રિત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગાંધારી નૃત્યનો ક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.
શૈક્ષણિક, રમતગમત અને સર્જનાત્મક ક્ષેત્રોમાં સિદ્ધિઓ બદલ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. વાર્ષિક અહેવાલ રજૂ કરતા, આચાર્ય સબીના સાહનીએ છેલ્લા એક વર્ષમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રાપ્ત કરાયેલા સીમાચિહ્નો પર પ્રકાશ પાડ્યો હતો અને સંસ્થાની 30 વર્ષની યાત્રા વિશે વાતો કરી હતી.
કાર્યક્રમમાં સભાને સંબોધતા, મંત્રી હીરાબા જાડેજાએ સંતુલિત વ્યક્તિઓના ઘડતરમાં અને સમાજને મજબૂત બનાવવામાં શિક્ષણની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં શિસ્ત, દ્રઢતા અને ઉદ્દેશ્યને મહત્વ આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
અભિનેત્રી દેવર્ષિ શાહે આત્મવિશ્વાસ અને પ્રામાણિકતા સાથે પોતાના હિતોને અનુસરવાના મહત્વ વિશે વાત કરી હતી. વાર્ષિક દિવસની ઉજવણી ‘સિતારા-એ-સંસ્કૃતિ – સ્ટાર્સ ઑફ ઇટરનલ વેલ્યુઝ’ કાર્યક્રમ સાથે શરૂ થઈ હતી, જેમાં ધોરણ 3 થી 5 ના લગભગ 450 વિદ્યાર્થીઓએ કલાત્મક નૃત્ય, નાટક અને સંગીતની સુંદર પ્રસ્તુતી આપી હતી. પ્રથમ દિવસે પૌરાણિક કથાઓ, ઇતિહાસ અને સમકાલીન કથાઓ દ્વારા વ્યક્ત કરાયેલા કાલાતીત માનવ મૂલ્યો પર કેન્દ્રિત, પ્રદર્શનો રજૂ કરવામાં આવ્યા હતા.
આ પ્રોગ્રામમાં અભિનેતા અને ગાયક RJ ધ્વનિત ઠાકર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. યુવા કલાકારોએ ડાન્સ, સ્કીટ અને મ્યુઝિકલ પ્રસ્તુતિઓ દ્વારા સમજણ, ન્યાય, હિંમત, સત્યતા, દયા અને કરુણા જેવા વિષયો રજૂ કર્યા હતા. આ પ્રદર્શનમાં રાજા વિક્રમાદિત્ય, તેનાલી રામા, અહિલ્યાબાઈ હોલકર, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને ડૉ. એપીજે અબ્દુલ કલામ જેવા વ્યક્તિઓ દ્વારા પ્રેરિત પૉર્ટ્રેઅલ સામેલ હતા. કાઇન્ડનેસ ફેશન શોએ કાર્યક્રમમાં સમકાલીન રંગ ઉમેર્યો હતો તેમજ ઉર્જાવાન ઓલ-વેલ્યુ ડાન્સ અને ગ્રાન્ડ ફિનાલેના આયોજને, એ સંદેશને મજબૂત બનાવ્યો હતો કે, મૂલ્યો ફક્ત શીખવવા માટે નહીં, પરંતુ તે વાસ્તવમાં જીવવા માટે છે.
શાળાના વાર્ષિક ઉત્સવમાં, સંસ્કૃતિ, શિક્ષણ અને મૂલ્યો પર સમાન રીતે ભાર મુકતા પ્રદર્શનો રજૂ કરવામાં આવ્યાં હતાં. બંને દિવસો દરમિયાન, મોટી સંખ્યામાં વાલીઓ ઓડિટોરિયમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે યુવાકલાકારોની પ્રસ્તુતિઓ પર તાળીઓના ગડગડાટ સાથે તેમનું ઉત્સાહવર્ધન કર્યું હતું.
