વડોદરાના લોકસભા સાંસદ તેમજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ ડૉ. હેમાંગભાઈ જોશીએ તાજેતરમાં નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે નવસારી જિલ્લાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન નવસારી જિલ્લા યુવા મોરચા દ્વારા યુવા કાર્યકર્તાઓ માટે પરિચય તથા માર્ગદર્શન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં નવસારી જિલ્લાભરના યુવા મોરચાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે ડૉ. હેમાંગભાઈ જોશીએ યુવા મોરચાના કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ સાધી સંગઠનની મજબૂતી, કાર્યપદ્ધતિ અને ભવિષ્યની કાર્યયોજનાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે યુવા શક્તિ એ દેશ અને પાર્ટીની સૌથી મોટી તાકાત છે અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે દરેક યુવા કાર્યકર્તાની સક્રિય અને જવાબદાર ભૂમિકા જરૂરી છે. કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ જનહિતકારી યોજનાઓને સામાન્ય જનતા સુધી પહોંચાડવામાં યુવા મોરચાની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી ઈશાન સ્વામી, નવસારી જિલ્લા યુવા મોરચાના પ્રભારી યશ ગોલાણી, નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભુરાભાઈ શાહ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપના મહામંત્રી અશ્વિનભાઈ પટેલ, માજી પ્રદેશ મંત્રી શીતલબેન સોની, નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ હિતેશ પટેલ, યુવા મોરચાના મહામંત્રી જયવર્ધન પટેલ તથા બાબુ રબારી સહિતના ભાજપના આગેવાનો અને યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન યુવા મોરચાના કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આગામી સમયમાં પાર્ટીના કાર્યક્રમો અને પ્રવૃત્તિઓને સફળ બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે ઉત્સાહપૂર્ણ અને સંગઠનાત્મક એકતાના વાતાવરણમાં સંપન્ન થયો હતો.
નવસારી :- હિતેશ વધેરા
