• અશોકભાઈના ત્રીજા પુસ્તકના વિમોચન સમારોહમાં શ્રી નરહરી અમિન, કવિ શ્રી માધવ રામાનુજ અને અરવિંદભાઈ બારોટ સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતી
• અશોકભાઈના સામાજીક યોગદાન અને પુસ્તકની પ્રેરણા દર્શાવતા વીડિયોથી શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા
• 73 વર્ષે યુવાનોને શરમાવે તેવી ઊર્જા અને શિસ્ત સાથે સમાજસેવામાં વ્યસ્ત છે અશોકભાઈ
અમદાવાદ: ગુજરાતની ધરતીને સમાજસેવા, સાહિત્ય, શિક્ષણ અને માનવતાના ક્ષેત્રે અનેક પ્રતિભાશાળી વ્યક્તિઓ આપવાનો ગૌરવભર્યો વારસો મળ્યો છે. આ પરંપરાને આગળ ધપાવતા સામાજિક કાર્યકર, લેખક અને સંવેદનશીલ સમાજચિંતક શ્રી અશોકભાઈ ગોકળદાસ પટેલના નવા પુસ્તક ‘અનંતના આઠ રંગો’નું વિમોચન એક વિશેષ સાહિત્યિક સમારોહમાં કરવામાં આવ્યું.
‘અનંતના આઠ રંગો’ના વિમોચન પ્રસંગે સૌપ્રથમ પુસ્તકની સર્જનયાત્રા, લેખકને પુસ્તક લખવાની પ્રેરણા અને તેના અંતર્ગત વિચારવિશ્વને રજૂ કરતી ટૂંકી પ્રેરણાત્મક ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે નિહાળીને શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા હતા. ત્યારબાદ જ્ઞાન, સંસ્કાર અને સર્જનાત્મકતાના પ્રતીકરૂપે દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું.
સમારોહમાં ઉપસ્થિત ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નરહરિભાઈ અમીન, ગુજરાતી સાહિત્યના આદરણીય કવિ અને સાહિત્યકાર શ્રી માધવ રામાનુજ, લોકસાહિત્યકાર અને કલાકાર શ્રી અરવિંદ બારોટ, સંવેદનશીલ પત્રકાર અને લેખક શ્રી રમેશ તન્ના, વરિષ્ઠ પત્રકાર અને લેખક શ્રી દક્ષેશ પાઠક, તપોભૂમિ ગુજરાતના તંત્રી અને વિચારક શ્રી પ્રફુલ ત્રિવેદી સહિતના મહાનુભાવોનું સુતરની આંટી, શાલ અને સ્મૃતિચિહ્ન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
સમારોહની મુખ્ય ક્ષણરૂપે ઉપસ્થિત મહાનુભાવો અને લેખક શ્રી અશોકભાઈ પટેલના હસ્તે ‘અનંતના આઠ રંગો’નું વિધિવત્ વિમોચન કરવામાં આવ્યું. આ પ્રસંગે પુસ્તકના નામને અનુરૂપ સર્જન, વિચાર અને જીવનના વિવિધ રંગોની ઉજવણી કરવામાં આવી.પુસ્તક વિમોચનના પ્રસંગે શ્રી અશોકભાઈએ મનોભાવ રજૂ કરતા જણાવ્યું હતું કે, આ પુસ્તક આવનારી પેઢીનું દિશાદર્શન કરશે. દુનિયાની રોચક અને રચનાત્મક વાતો જાણવા ઉત્સુક તમામ વાચકો માટે આ પુસ્તક માહિતીનો ખજાનો બનશે.
પોતાના શબ્દો થકી સાહિત્ય અને ગુજરાતી ભાષાની સેવા કરવાની તક તેમને મળી છે એમ જણાવતા અશોકભાઈએ માત્ર આ જ નહીં પોતાના તમામ પુસ્તકોમાંથી મળતી રોયલ્ટી ગરીબ બાળકોના શિક્ષણને અર્થે ખર્ચાય છે. એમ પણ ઉમેર્યું હતું.પુસ્તક અંગે અભિપ્રાય આપતા શ્રી નરહરીભાઈ અમીને જણાવ્યું હતું કે, ઈતિહાસથી લઈ આધુનિકતા, પ્રકૃતિથી લઈને સંસ્કૃતિ અને વિજ્ઞાનથી લઈ ટેક્નોલોજી જેવા વિષયો સાથે વિવિધ આઠ રંગોને અશોકભાઈએ ખૂબ સુંદર રીતે પુસ્તકમાં સજાવ્યા છે.
તેમણે વધુ આઠ રંગો સાથે પુસ્તકનું બીજું સંસ્કરણ લખવા માટે પણ અશોકભાઈને પ્રોત્સાહિત કર્યા હતા.કવિશ્રી માધવ રામાનુજે પોતાની કવિતા દ્વારા અશોકભાઈને પુસ્તક વિમોચનના અભિનંદન પાઠવ્યા હતા. અશોકભાઈ સાથેના ચાર દાયકા જૂના સંબંધોને વાગોળતા તેમણે આ પુસ્તક વાચકોમાં લોકપ્રિય બને તેવી શુભકામનાઓ પાઠવી હતી.
લોકસાહિત્યકાર શ્રી અરવિંદભાઈ બારોટે અશોકભાઈને બિરદાવતા જણાવ્યું હતું કે, સૌ માટે દિલમાં સંવેદના લઈને ચાલતો આ માણસ સમાજની સાચી મૂડી છે. અશોકભાઈ અમેરિકામાં રહીને પણ ગુજરાત, ગુજરાતીઓ અને ગુજરાતી સાહિત્ય માટે કાયમ પ્રયાસરત રહે છે. જે આજના જમાનામાં દુર્લભ છે. ત્યારબાદ સંવેદનશીલ પત્રકાર શ્રી રમેશભાઈ તન્નાએ અશોકભાઈને પરોપકારી અને સેવાભાવી મિત્ર ગણાવતા આ પુસ્તક તેમના પિતાજી ગોકળદાસ પટેલનો વારસો અવિરત રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે તેમ ઉમેર્યું હતુ.
આ પ્રસંગે વરિષ્ઠ પત્રકાર અને લેખક શ્રી દક્ષેશભાઈ પાઠકે પુસ્તક વિશે અભિપ્રાય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ પુસ્તકમાં જ્ઞાન, શબ્દ અને લેખનકળાનો ઉત્તમ સમન્વય થયો છે. જે વાચના હ્રદયને સ્પર્શી જાય તેવો છે. સાથોસાથ તેમણે પુસ્તકની ભાષા અને રજૂઆતની શૈલીને પણ બિરદાવી હતી. તપોભૂમિ ગુજરાતના તંત્રી અને વિચારક શ્રી પ્રફુલભાઈ ત્રિવેદીએ જૈફવયે યુવાનોને શરમાવે તેવી શિસ્ત અને સક્રિયતા બદલ અશોકભાઈને અભિનંદન પાઠવ્યા હતા. પોતાના અખબારમાં કોલમિસ્ટ તરીકે અશોકભાઈનો સહયોગની પ્રશંસા કરી ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.
સમગ્ર કાર્યક્રમનો ભાવ એવો રહ્યો કે સારા સાહિત્યનું સાચું મૂલ્ય ત્યારે સાકાર થાય છે, જ્યારે તે વાચકના મનમાં વિચાર જગાવે, સમાજ પ્રત્યેની સંવેદના વધારે અને જીવનને વધુ અર્થપૂર્ણ બનાવવાની પ્રેરણા આપે.કાર્યક્રમના અંતે શ્રી અશોકભાઈએ ઉપસ્થિત મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, સહયોગીઓ, મીડિયા પ્રતિનિધિઓ અને સૌ સ્નેહીજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો. કાર્યક્રમ બાદ સૌ માટે સ્નેહમિલન અને રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લેખક સાથે પુસ્તક અંગે અનૌપચારિક ચર્ચા અને શુભેચ્છાઓની આપ-લે થઈ હતી. આ સમારોહમાં આમંત્રિત મહેમાનો તથા અશોકભાઈના મિત્રો તથા સ્નેહીજનોએ હાજરી આપી હતી. અનંતના આંઠ રંગ પુસ્તકનું પ્રકાશન ઝેડકેડ પબ્લિકેશન દ્વારા કરવામાં આવ્યું છે. ઝેડકેડની વેબસાઈટ
તથા એમેઝોન ઉપર ઉપલબ્ધ છે.
લેખક અશોકભાઈનો પરિચય સ્વાતંત્ર્યસેનાની દંપતી ગોકળદાસભાઈ અને લલિતાબેનના સુપુત્ર અશોકભાઈ પટેલને સમાજસેવાના સંસ્કાર વારસામાં મળ્યા છે. તેમણે પોતાના જીવનમાં આ સામાજિક દાયિત્વને નિષ્ઠાપૂર્વક નિભાવ્યું છે. મહાત્મા ગાંધી સ્થાપિત ધી મજદૂર સહકારી કો-ઓપરેટીવ બેન્કના ડાયરેક્ટર તરીકે તેમણે શ્રમિકોના જીવનમાં રચનાત્મક પરિવર્તન લાવવાના પ્રયાસો કર્યા છે.
શહેરના મા.જે. પુસ્તકાલય સાથે સક્રિય રીતે જોડાઈને તેમણે વાચન અને પુસ્તકપ્રેમની પ્રવૃત્તિમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.શ્રી અશોકભાઈ ગુજરાતની પ્રતિષ્ઠિત સામાજિક સંસ્થા ગુજરાત ફોરમના આદ્ય સ્થાપક છે. ઉપરાંત, સમાજના નબળા વર્ગના બાળકોને શિક્ષણ અને કેળવણી આપતી ‘સંસ્કાર’ સંસ્થાના નિયામક તરીકે પણ તેઓ કાર્યરત રહ્યા છે.
ગુજરાત સરકારના યુથ બોર્ડ તથા સ્પોર્ટ્સ કાઉન્સિલના સભાસદ તરીકે તેમજ ભારત સરકારની વિવિધ સમિતિઓમાં પણ તેમણે કામગીરી કરી છે. સાહિત્યક્ષેત્રે પણ અશોકભાઈનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. ‘રૂડાબાઈની વાવ’, ‘ગુજરાતના પાટીદારોનો ઇતિહાસ’ અને ‘ડોલરની દુનિયા અમેરિકા’ તેમનાં જાણીતા પુસ્તકો છે. આ ઉપરાંત તેમણે દૂરદર્શન માટે અનેક ગુજરાતી તથા હિન્દી સિરીયલોનું નિર્માણ પણ કર્યું છે.