અમદાવાદ અને ગુજરાતની શાન સમાન ‘પતંગ હોટલ’ ખાતે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા “ઉમંગ સે પતંગ” NGO મીટનું ભવ્ય આયોજન
• મૂક-બધિર અને ગરીબ બાળકોના ઉત્કર્ષ માટે કાર્યરત શ્રી ઉમંગભાઈ ઠક્કર અને તેમના પુત્રવધૂ શ્રીમતી અસ્મિતાબેન ઠક્કરનું વિશેષ સન્માન ¡¡
અમદાવાદ: ગુજરાત અને અમદાવાદની આગવી ઓળખ, શહેરના આધુનિક વિકાસ અને ઐતિહાસિક વારસાના પ્રતિક સમાન એલિસબ્રિજ સ્થિત આઇકોનિક ‘પતંગ હોટલ’ ખાતે શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે અગ્રેસર સંસ્થા ‘અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ’ દ્વારા “ઉમંગ સે પતંગ” NGO મીટનું એક અત્યંત પ્રેરણાદાયી અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
સાબરમતી નદીના કિનારે આવેલી અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધારતી આ પતંગ હોટલના આંગણે યોજાયેલો આ સમારોહ સમાજસેવાની એક નવી મશાલ પ્રગટાવવા સમાન બની રહ્યો છે.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના વંચિત વર્ગ માટે નિઃસ્વાર્થ ભાવે કામ કરતા મહાનુભાવોની સેવાઓને બિરદાવવાનો છે.સાચા અર્થમાં સમાજસેવા એ જ છે જેમાં છેવાડાના અને વંચિત લોકોને સક્ષમ બનાવવામાં આવે.
આ જ ઉમદા વિચારને સાર્થક કરતા ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના CMD શ્રી ઉમંગભાઈ ઠક્કર અને તેમના પુત્રવધૂ તથા ‘ઉમંગ સે પતંગ’ NGO ના સ્થાપક શ્રીમતી અસ્મિતાબેન ઠક્કર અને ડિરેક્ટર શ્રી પિન્કી બેન મોદીદ્વારા સમાજના એક અત્યંત સંવેદનશીલ વર્ગ માટે ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
આ પરિવાર દ્વારા તેમના NGO ના માધ્યમથી ખાસ કરીને મૂક-બધિર (દિવ્યાંગ) અને આર્થિક રીતે પછાત ગરીબ બાળકોને શિક્ષણ પૂરું પાડીને તેમને આત્મનિર્ભર અને સક્ષમ બનાવવાનું ઉમદા બીડું ઝડપવામાં આવ્યું છે. તેઓનું આ કાર્ય માત્ર સેવા જ નહીં, પરંતુ સમાજમાં એક સાચી અને સકારાત્મક ક્રાંતિ લાવી રહ્યું છે.
આ બાળકોના અંધકારમય જીવનમાં શિક્ષણનો પ્રકાશ ફેલાવીને તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાનું તેમનું કાર્ય ખરા અર્થમાં વંદનીય છે.આવા નિઃસ્વાર્થ અને સમર્પિત સેવાકાર્યોની કદર રૂપે, અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા આ NGO મીટમાં શ્રી ઉમંગભાઈ ઠક્કર અને શ્રીમતી અસ્મિતાબેન ઠક્કરને વિશેષ સ્મૃતિચિહ્ન (મોમેન્ટો) અર્પણ કરીને ગૌરવભેર સન્માનિત કરવામાં આવ્યા હતા તથા ઉજ્જૈન મહાકાલ મંદિરના પૂજારી શ્રી રામરતન વ્યાસજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિ પાઠ નું વાંચન કરેલ હતું.
આ ઉપરાંત, આ સામાજિક કાર્યોમાં સતત પીઠબળ અને સહયોગ પૂરો પાડવા બદલ પતંગ હોટલના ડિરેક્ટર શ્રીમતી પિન્કીબેન મોદીનું પણ આ મંચ પરથી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ ભવ્ય સન્માન સમારોહ અને NGO મીટમાં અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના ચેરમેન શ્રી વિજય મારુ, પ્રમુખ શ્રી રાકેશ પરમાર, મહામંત્રી શ્રી રઉફ સર, ખજાનચી શ્રી બિપીન ખાંડવી, વાઇસ ચેરમેન અને ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના ચેરમેન શ્રી હેમાંગ રાવલ, વાઇસ ચેરમેન શ્રી સતિષ શાહ, પ્રદેશ પ્રમુખ શ્રી ઝંકૃત આચાર્ય સહિત સંસ્થાના અન્ય કારોબારી સભ્યો વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ હોદ્દેદારો અને મહાનુભાવોએ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવીને શિક્ષણ અને સેવાનો અદભૂત સમન્વય સાધનાર આ સેવાકાર્યને હૃદયપૂર્વક બિરદાવ્યું હતું.