મુંબઈ: ઉંમર માત્ર એક આંકડો છે, તે વાતને સાર્થક કરી બતાવી છે મુંબઈના જાણીતા તબીબ અને સંગીતકાર ડૉ. શરદ શાહે. 81 વર્ષની વયે પણ યુવાન જેવો ઉત્સાહ ધરાવતા ડૉ. શાહ તબીબી જગત અને સંગીત કળાના અનોખા સમન્વય તરીકે ઉભરી આવ્યા છે. મુંબઈની પ્રતિષ્ઠિત ટોપીવાલા નેશનલ મેડિકલ કોલેજમાંથી MBBS થયા બાદ તેમણે હોમિયોપેથીમાં પણ નિપુણતા મેળવી.
આજે પણ તેઓ એલોપેથી અને હોમિયોપેથીનો અભ્યાસ સતત ચાલુ રાખી તબીબી ક્ષેત્રે સક્રિય છે. તાજેતરમાં જ તેમની આ જીવનપર્યંત સેવા અને જ્ઞાન માટે ‘મુંબઈ સમાચાર’ દ્વારા તેમને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે પ્રતિષ્ઠિત ‘ધન્વંતરી પુરસ્કાર’ થી સન્માનિત કરવામાં આવ્યા છે.
ડૉ. શાહ માત્ર રોગના ઉપચારક જ નહીં, પણ ભાવનાઓના સર્જક પણ છે. બાળપણથી જ સંગીતના શોખીન એવા ડૉ. શાહે ટી-સીરીઝ દ્વારા રિલીઝ થયેલા ‘ભજમન ગણપતે’ આલ્બમથી પોતાની સંગીતયાત્રા શરૂ કરી હતી. તાજેતરમાં તેમણે જૈન ધર્મના અત્યંત પવિત્ર ‘ભક્તામર સ્તોત્ર’ની 44 વિવિધ રાગોમાં અદભૂત રચના કરી એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. તેમની યુટ્યુબ ચેનલ ‘મંત્ર સુરાવલી’ પર દોઢ લાખથી વધુ લોકોએ આ ભક્તિમય રચનાઓને નિહાળી છે. કોરોનાકાળમાં જ્યારે વિશ્વ થંભી ગયું હતું, ત્યારે તેમણે 1500 જેટલી કવિતાઓ રચી હતી, જેમાંથી પસંદગીની 100 કવિતાઓનું પુસ્તક પણ પ્રકાશિત થયું છે. સામાન્ય લોકો હોમિયોપેથી વિજ્ઞાનને સમજી શકે તે માટે તેમણે લખેલું પુસ્તક તેમના સેવાકીય અભિગમનું જીવંત ઉદાહરણ છે.
