ગુજરાત કાઉન્સિલ ઑફ સાયન્સ સિટી, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ગુજરાત સરકાર દ્વારા વર્લ્ડ સ્પેસ વીક 2025 ની ઉજવણી 4 થી 10 ઓક્ટોબર, 2025 દરમિયાન અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટીના સાયન્સ ડોમ ખાતે કરવામાં આવી રહી છે.
આ વર્ષે વર્લ્ડ સ્પેસ વીકની વૈશ્વિક થીમ “Living in Space” (અંતરિક્ષમાં જીવન) રાખવામાં આવી છે. આ અવસર પર, અંતરિક્ષમાં માનવજીવન સામેના પડકારો અને તેના ઉકેલો વિષયક ચર્ચા તથા નવીન વિચારોને પ્રોત્સાહન આપવામાં આવશે.
ઉજવણીના ભાગરૂપે, ગુજરાત સાયન્સ સિટીમાં પોસ્ટર મેકિંગ અને પ્રેઝન્ટેશન સ્પર્ધા યોજાશે, જેનો વિષય છે: “Challenges and Solutions for Living in Space.” આ સ્પર્ધા વિદ્યાર્થીઓ અને યુવાનોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, સર્જનાત્મકતા અને નવીન વિચારશક્તિ વિકસાવવા માટે એક સારો પ્લેટફોર્મ સાબિત થશે.
આ સપ્તાહભરમાં વિવિધ સ્પર્ધાઓ, ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ, સાયન્સ ટોક્સ, ફિલ્મ સ્ક્રીનિંગ તથા આકાશ નિરીક્ષણ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ સામાન્ય જનતા માટે જ્ઞાનવર્ધક અને રસપ્રદ બની રહેશે. સાથે જ કૉમ્પિટિશનમાં વિજેતા બનનાર વિદ્યાર્થીઓને આકર્ષક ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.
પ્રોગ્રામની મુખ્ય હાઇલાઇટ્સમાં પોસ્ટર મેકિંગ અને પ્રેઝન્ટેશન સ્પર્ધા (11:00–12:00, સાયન્સ ડોમ) – પ્રાથમિકથી કોલેજ સ્તરના વિદ્યાર્થીઓ માટે (ઑનલાઇન નોંધણી ફરજિયાત), સ્પેસ ક્વિઝ (12:00–13:00, સાયન્સ ડોમ) – શાળાના વિદ્યાર્થીઓ માટે (ઑનલાઇન નોંધણી ફરજિયાત), સ્પેસ ટોક્સ (15:00–16:00, સાયન્સ ડોમ) – વિષયો: Sustainable Habitats in Space, Space Tourism, Protecting Earth, Global Collaboration, Next-generation Space Stations (કોલેજ વિદ્યાર્થીઓ માટે, ઑનલાઇન નોંધણી ફરજિયાત). સ્પેસ ફિલ્મ્સ: Understanding Space Facts (16:00–17:00, સાયન્સ ડોમ) – (ઓપન ફોર ઑલ) સ્પેસ પાથ પઝલ (11:00–18:00, સાયન્સ ડોમ) – દરેક ઉંમરના લોકો માટે ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિ, સૂર્ય નિરીક્ષણ (ટેલિસ્કોપ દ્વારા) (11:00–16:00, એમ્ફિથિયેટર) – લાઈવ સોલર વ્યૂઇંગ, નાઇટ સ્કાય ઑબ્ઝર્વેશન (19:00–20:00, એમ્ફિથિયેટર) – તારાઓનું નિરીક્ષણ (ઓપન ફોર ઑલ).
આ ઉજવણી દ્વારા ગુજરાત સાયન્સ સિટીનો હેતુ વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા પ્રેરવાનો, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવાનો અને અંતરિક્ષ વિજ્ઞાનને સૌ સુધી સરળ અને રસપ્રદ રીતે પહોંચાડવાનો છે. સાથે સાથે, આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ અને જનતા માટે વૈજ્ઞાનિક અનુભવનું અનોખું પ્લેટફોર્મ પૂરું પાડશે, જ્યાં તેઓ અંતરિક્ષ વિજ્ઞાનના તાજેતરના વિકાસ, ભવિષ્યની શક્યતાઓ અને માનવજાત માટેના અવકાશ સંશોધનના મહત્ત્વ વિશે ઊંડાણપૂર્વક સમજ મેળવી શકશે.
