• એઆઈ આધારિત નાગરિક સમસ્યાઓના ઉકેલ માટે વિદ્યાર્થીઓએ કુલ ₹1.10 લાખની ઇનામી રકમમાંથી ₹85,000 જીત્યા !!
વડોદરા:- ઇલેક્ટ્રોનિક્સ સિટી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ELCIA) દ્વારા IIIT-બેંગલુરુ અને વીએલએસઆઈ સિસ્ટમ ડિઝાઇન (VSD)ના સહયોગથી ELCIA નેક્સ્ટ-જન ઇનોવેટિવ ટેક હેકાથોન 2026 – સ્માર્ટ સિટી ડ્રોન-એઆઈ ચેલેન્જનું આયોજન કરવામાં આવ્યું હતું. GSFC યુનિવર્સિટીની બે વિદ્યાર્થી ટીમોએ અનુક્રમે પ્રથમ ઇનામ અને પ્રથમ રનર-અપ સ્થાન મેળવ્યું હતું. બંને ટીમોએ કુલ ₹85,000નું ઇનામ જીત્યું હતું. સમગ્ર સ્પર્ધાની કુલ ઇનામી રકમ ₹1.10 લાખ હતી.
આ ઇનામો 10 સપ્ટેમ્બર 2026ના રોજ બેંગલુરુના ઇલેક્ટ્રોનિક્સ સિટી ખાતે આવેલી ધ ઓટેરા હોટેલમાં યોજાયેલા ELCIA ટેક સમિટ 2026 દરમિયાન આપવામાં આવ્યા હતા. GSFC યુનિવર્સિટી પ્રથમ અને દ્વિતીય બંને સ્થાન મેળવનારી એકમાત્ર યુનિવર્સિટી રહી હતી. તેમજ અંતિમ પાંચ શ્રેષ્ઠ ટીમોમાં બે ટીમો ધરાવનારી પણ GSFC યુનિવર્સિટી એકમાત્ર યુનિવર્સિટી હતી.આ સ્પર્ધામાં કુલ 183 ટીમોએ નોંધણી કરાવી હતી અને 343 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. દેશના 18 રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ અને ટીમોએ ભાગ લીધો હતો. સ્પર્ધકોને ડ્રોન અને શહેરના વીડિયોનો ઉપયોગ કરીને શહેરની વાસ્તવિક સમસ્યાઓના એઆઈ આધારિત ઉકેલો વિકસાવવાનો પડકાર આપવામાં આવ્યો હતો. GSFC યુનિવર્સિટીની બંને ટીમોએ ચોમાસું, રસ્તા અને નાગરિક માળખાકીય સુવિધાઓ અંગેની સમસ્યાઓના ઉકેલની શ્રેણીમાં સ્પર્ધા કરી હતી.
પ્રથમ ઇનામ મેળવનારી ડ્રોન404 ટીમમાં બી.ટેક. કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગના ત્રીજા વર્ષના વિદ્યાર્થી કૃશય શાહ અને બીજા વર્ષના વિદ્યાર્થી તત્વ શાહનો સમાવેશ થાય છે. ટીમે હાઇડ્રો-વિઝન-3ડી નામનો એઆઈ આધારિત ૩ડ ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. જે ડ્રોન દ્વારા લેવામાં આવેલા વીડિયાનો ઉપયોગ કરીને રસ્તા પરના ખાડા, પાણીનો ભરાવો, ખુલ્લા મેનહોલ, ગટરના પાણીના ઓવરફ્લો અને ક્ષતિગ્રસ્ત ફૂટપાથ જેવી સમસ્યાઓ ઓળખે છે. આ પ્રોજેક્ટ એઆઈ દ્વારા સમસ્યાઓની ઓળખ, તેનું નિરીક્ષણ, ઊંડાઈનો અંદાજ, ભૌગોલિક નકશા અને જોખમના વિશ્લેષણ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. તેના દ્વારા ઓળખાયેલી સમસ્યાઓને નગરપાલિકા દ્વારા જરૂરી કાર્યવાહી માટેના કામના આદેશમાં રૂપાંતરિત કરી શકાય છે.
પ્રથમ રનર-અપ રહેલી સિવિકપલ્સ ટીમમાં બી.ટેક. કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ મંથન ચાવડા અને એ. માનવ પ્રસાથ નો સમાવેશ થાય છે. ટીમે એઆઈ આધારિત મોન્સૂનસિવિક રિસ્ક ઇન્ટેલલિજેન્સ નામનો પ્રોજેક્ટ વિકસાવ્યો હતો. આ પ્રોજેક્ટ ડ્રોન વીડિયો અને જીપીએસ માહિતીનું વિશ્લેષણ કરીને શહેરમાં રહેલા જોખમો અને નાગરિક સમસ્યાઓ શોધે છે. આ વ્યવસ્થા દ્વારા અધિકારીઓ સમસ્યાની ચકાસણી કરી શકે છે, મરામતની કામગીરી સોંપી શકે છે, તેની પ્રગતિ પર નજર રાખી શકે છે અને કામ પૂર્ણ થયા બાદ તેની પુષ્ટિ પણ કરી શકે છે.