અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં ડો. બાબાસાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલ પાસે, BRTS બસ સ્ટેન્ડની સામે આવેલા સિનિયર સિટીઝન સેવા પરિવાર દાણીલીમડા સંકુલ ખાતે તા. ૧૬/૧૧/૨૦૨૬, સોમવારના રોજ સવારે ૧૧ કલાકે નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમ, નવા સભ્યોનો સત્કાર સમારંભ તથા ભોજન સમારંભનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ મણીભાઈ વણકર, મંત્રી ભાનુભાઈ વાણિયા અને ખજાનચી ગાંડાભાઈ રાઠોડ સહિત સંસ્થાના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ તથા મોટી સંખ્યામાં જૂના અને નવા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મંચસ્થ મહાનુભાવોએ ઉપસ્થિત સભ્યોનું ઉષ્માભર્યા શબ્દો દ્વારા સ્વાગત અને સન્માન કર્યું હતું.
નવા સભ્યોને આવકારી તેમનો સત્કાર કરવામાં આવ્યો હતો. તમામ સભ્યો એક મંચ પર એકત્રિત થઈ પરસ્પર સ્નેહ, સંવાદિતા અને સંગઠનની ભાવનાને વધુ મજબૂત બનાવે તેવા હેતુથી આ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમમાં દાણીલીમડા પોલીસ સ્ટેશનના સ્ટાફ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારી તેમજ ચેરિટી કચેરીના એડવોકેટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન સંસ્થાના ટ્રસ્ટી લવજીભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના તમામ જૂના તથા નવા સભ્યોની ઉપસ્થિતિ અને સહયોગ ખૂબ જ સરાહનીય રહ્યો હતો.આજના કાર્યક્રમના તમામ ખર્ચનો ઉદાર સહયોગ દાતાશ્રીઓ હરગોવિંદભાઈ જાદવ, ભરતભાઈ પરમાર, પ્રહલાદભાઈ પરમાર, જયેશભાઈ પરમાર અને પ્રકાશભાઈ જકસી (કુલ પાંચ મહાનુભાવો) દ્વારા આપવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા તમામ દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
અંતમાં લવજીભાઈ મકવાણા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ સભ્યોએ સાથે મળીને ભોજનનો આનંદ માણ્યો હતો અને આનંદમય વાતાવરણમાં કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.