ઝી મીડિયા કોર્પોરેશન લિમિટેડે (ઝેડએમસીએલ) અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલા ઝી ભારત યુથ ફેસ્ટ 2026માં યુવા ભારતીયોની ઊર્જામાં જોશ ભરી દીધો હતો. સંગીત, વિચારો અને મહત્વાકાંક્ષાના આ અનોખા તથા જોશીલા સંગમમાં સમગ્ર શહેરના અનેક વિદ્યાર્થીઓ તથા યંગ અચીવર્સેને ઉત્સાહભેર ભાગ લીધો હતો.
દિવસનો પ્રારંભ સવારે 11.00 કલાકે પ્રાસંગિક દીપ પ્રાગટ્ય સાથે થયો જેમાં ગુજરાત સરકારના પ્રધાનો શ્રી કૌશિક વેકરિયા અને શ્રી પ્રવીણ માળી, ધારાસભ્ય શ્રી અમિત ઠાકર, ઝેડએમસીએલના સીઈઓ શ્રી રક્તિમ દાસ અને ઝી 24 કલાકના એડિટર શ્રી દિક્ષીત સોની ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાન શ્રી પ્રવીણ માળીએ આજની યુવા પેઢીની સ્પષ્ટતા તથા આત્મવિશ્વાસની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “શાસન વ્યવસ્થા તેમની મહત્વાકાંક્ષાઓને સાકાર કરે તેવી હોવી જોઈએ.” એક મોટી જાહેરાત કરતા તેમણે ગુજરાતમાં ફેસલેસ આરટીઓ સિસ્ટમ માટેની યોજનાઓ રજૂ કરી હતી.
આ પહેલનો ઉદ્દેશ્ય પરિવહન સેવાઓને સંપૂર્ણ ડિજિટલ બનાવવાનો, ભ્રષ્ટાચાર ઘટાડવાનો અને પારદર્શકતા વધારવાનો છે.
ધારાસભ્ય શ્રી અમિત ઠાકરે ભારતના યુવાઓની બદલાતી માનસિકતા પર પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ પરંપરાગત કારકિર્દી વિકલ્પો કરતાં ઝડપથી આગળ વધી રહ્યા છે. “આજના યુવાનો માત્ર નોકરીઓ શોધનારા નહીં, નોકરીઓ ઊભી કરનારા બન્યા છે. એઆઈના જમાનામાં બધાથી આગળ રહેવાનો અર્થ છે માહિતગાર રહેવું અને સતત વિકાસ કરવો”, એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે આ ફેસ્ટિવલને તકો તથા વિચારો સાથે જેન ઝીને જોડનારો શક્તિશાળી સેતુ ગણાવ્યો હતો.
આ પહેલને વધુ વેગ આપતા ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન શ્રી હર્ષ સંઘવીએ 100 મીટર રોડ સેફ્ટી ડ્રાઇવ લોન્ચ કરી હતી તથા ‘જનરેશન ઝેડ ઈન્ડિયા’ પોસ્ટરનું અનાવરણ કર્યું હતું તથા યુવા ભારતીયોમાં જવાબદાર નાગરિકત્વના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે ગુજરાતના ઉભરતા પ્રતિભાશાળી યુવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને સમગ્ર રાજ્યમાં સાથી યુવાનોને પ્રેરિત કરવા બદલ તથા તેમના યોગદાન બદલ તેમની સરાહના કરવામાં આવી હતી.
પ્રોત્સાહનમાં ઊર્જા ઉમેરતા લોકપ્રિય ઇન્ફ્લુએન્સર નીતિન જાની (ખજૂરભાઈ) પ્રેક્ષકો સાથે તરત જ જોડાઇ ગયા હતા અને તેમને વહેલીતકે પગલાં ભરવા અને ઉદ્યોગસાહસિક તરીકે વિચારવાની વિનંતી કરી હતી. “નાની શરૂઆત કરો, હમણાં શરૂઆત કરો – રાહ ન જોશો”, એવી સલાહ આપતા તેમણે તેમની પોતાની સફરનો ઉલ્લેખ કર્યો હતો. ઓનલાઇન થતી ટીકાઓ અંગે સ્પષ્ટતા રજૂ કરતા તેમણે ઉમેર્યું હતું કે, “હું નકારાત્મક બાબતોમાં સમય બગાડતો નથી. હું માત્ર મહત્વની બાબતો પર જ ધ્યાન આપું છું.”
ફેસ્ટિવલની વાઇબ્રન્ટ ઊર્જાને આગળ વધારતા જાણીતા ગુજરાતી પોડકાસ્ટ ક્રિએટર્સ તથા લવારી શૉના મનન દેસાઇ અને ચિરાયુ મિસ્ત્રીએ રસપ્રદ સત્ર યોજ્યું હતું. પોતાની જાણીતી હાસ્યશૈલી તથા પ્રમાણિકતા સાથે તેમણે રચનાત્મકતા, કન્ટેન્ટ અને આજના ડિજિટલ-ફર્સ્ટ વિશ્વમાં બિનપરંપરાગત કારકિર્દી બનાવવા અંગે વિચારપ્રેરક ચર્ચા કરી હતી.
સૂર્યાસ્ત થતા જ આ ફેસ્ટિવલ સંગીતના એક ભવ્ય કાર્યક્રમમાં ફેરવાઇ ગયો હતો જેમાં ગાયિકા ઇશાની દવેના દમદાર પર્ફોર્મન્સે માહોલમાં રંગ જમાવી દીધો હતો. પરંપરાગત સંગીતને આધુનિક તાલ સાથે જોડતા આ કોન્સર્ટ સંગીત અને યુવા સંસ્કૃતિના ઊર્જાસભર ઉત્સવમાં ફેરવાઇ ગઈ હતી, જે જેન ઝીની ભાવનાઓ સાથે ગહન રીતે જોડાઈ હતી.
આ પહેલ અંગે ઝેડએમસીએલના સીઈઓ રક્તિમ દાસે જણાવ્યું હતું કે, “ભારતની વિકાસ વાર્તા તેના યુવાનો દ્વારા લખાશે, માત્ર બોર્ડરૂમ્સમાં જ નહીં, પરંતુ ક્લાસરૂમમાં, કેમ્પસમાં અને સમુદાયોમાં પણ. ઝી ભારત યુથ ફેસ્ટ એક એવું પ્લેટફોર્મ ઊભું કરવાનો અમારો પ્રયાસ છે, જ્યાં ભારતના યુવાનોનો અવાજ વિકસિત ભારતની વાર્તાને આકાર આપે. અમે આવી ચર્ચાઓને પ્રોત્સાહન આપવા તથા બોલ્ડ, ઉદ્યોગસાહસિકતાથી ભરપૂર અને ભવિષ્ય માટે તૈયાર એવી પેઢીની ભાવનાની ઉજવણી કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”
ઝી ભારત યુથ ફેસ્ટ 2026 એક કાર્યક્રમ જ નહીં, પરંતુ એવું મજબૂત પ્લેટફોર્મ બની રહ્યો જ્યાં વિચારોને અવાજ મળ્યો, મહત્વાકાંક્ષાને દિશા મળી અને યુવા ભારતની ઊર્જા કેન્દ્રસ્થાને એકત્રિત થઈ. તે કેવળ એક ફેસ્ટિવલ ન રહેતા એક અભિયાન પુરવાર થયો, જ્યાં આકાંક્ષાઓ અને રચનાત્મકતાની ઉજવણી થઈ તથા ભારતના ભવિષ્યને આકાર આપવા માટે તૈયાર પેઢીને પ્રોત્સાહન મળ્યું.
