અમદાવાદમાં સતત ત્રણ દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. આવા સમયે રોટરી ક્લબ ઓફ સાબરમતી અને રોટરી ક્લબ ઓફ સાબરમતી ટ્રસ્ટ દ્વારા માનવતાની અનોખી સેવા રૂપે ‘પ્રોજેક્ટ શિલ્ડ એન્ડ નરિશ’નું આયોજન કરીને જરૂરિયાતમંદ લોકો સુધી રાહત પહોંચાડવામાં આવી હતી.
રોટેરિયન ગુણવંત શાહની કલ્પના અને માર્ગદર્શન હેઠળ આયોજિત આ સેવા અભિયાન અંતર્ગત આશરે 200 જરૂરિયાતમંદ લોકોને ગરમ અને તાજું ભોજન પીરસવામાં આવ્યું હતું. સાથે જ વરસાદથી બચવા માટે 13 ફૂટ x 15 ફૂટ માપની 50 યુવી-રેઝિસ્ટન્ટ પ્લાસ્ટિક શીટ્સનું વિતરણ કરવામાં આવ્યું, જેથી અસરગ્રસ્ત પરિવારોને વરસાદ સામે તાત્કાલિક રક્ષણ મળી શકે.
આ રાહત અભિયાન શહેરના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો પૈકીના ચીમનભાઈ પટેલ બ્રિજ નીચે તેમજ અગોરા મોલ સામે આવેલી ઇન્દિરા બસ્તી ખાતે હાથ ધરવામાં આવ્યું હતું. રોટરીના સભ્યો અને સ્વયંસેવકોએ સ્થળ પર પહોંચી વરસાદ વચ્ચે જ લોકો સુધી ભોજન અને રાહત સામગ્રી પહોંચાડી હતી.
આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ સાબરમતીના પ્રમુખ ધીરજ શર્માએ જણાવ્યું હતું કે, “જ્યારે ભારે વરસાદે અનેક પરિવારોને મુશ્કેલીમાં મૂક્યા, ત્યારે રોટરી સાબરમતી તેમની વચ્ચે પહોંચી માનવસેવાનું કર્તવ્ય નિભાવ્યું. જરૂરિયાતમંદોની સાથે ઉભા રહેવું એ જ રોટરીની સાચી ઓળખ છે.”
ક્લબના સચિવ હિતેશ પી. શાહએ જણાવ્યું હતું કે, “‘સર્વિસ એબવ સેલ્ફ’ એટલે કે ‘સ્વથી ઉપર સેવા’ એ રોટરીનું જીવનમંત્ર છે. આ રાહત અભિયાન એ જ સેવાની ભાવનાનું જીવંત પ્રતિબિંબ છે. આ કાર્યમાં સહયોગ આપનાર તમામ સભ્યો, દાતાશ્રીઓ અને સ્વયંસેવકોનો અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.”
રોટરી ક્લબ ઓફ સાબરમતીએ જણાવ્યું હતું કે આ સેવા અભિયાન માત્ર રાહત સામગ્રીના વિતરણ પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ મુશ્કેલીના સમયમાં સમાજની સાથે ખભેખભા મિલાવી ઊભા રહેવાનો એક પ્રયાસ હતો.
ક્લબના સભ્યો, દાતાશ્રીઓ અને સ્વયંસેવકોના સહયોગથી સેંકડો લોકો સુધી સમયસર સહાય પહોંચાડી શકાયી હતી.’પ્રોજેક્ટ શિલ્ડ એન્ડ નરિશ’ દ્વારા રોટરી ક્લબ ઓફ સાબરમતીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે આપત્તિની દરેક ઘડીમાં રોટરી સમાજની સાથે અડગપણે ઊભી રહે છે અને **”સેવા પરમો ધર્મ”**ના સિદ્ધાંતને સાચા અર્થમાં જીવંત રાખે છે.
YOUTUBE LINK :-
https://youtube.com/shorts/lvhoYR7fYHM?si=B6aG3-RMv1NL7-Vv