અમદાવાદ: ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઑફ સાયન્સ સિટી દ્વારા 16 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાત સાયન્સ સિટીના ચિલ્ડ્રન એક્ટિવિટી સેન્ટર ખાતે વિશ્વ ઓઝોન દિવસ 2026ની ઉજવણી કરવામાં આવશે.
“Global Action for Cooler Planet” વિષયવસ્તુ આધારિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ઓઝોન સ્તરના સંરક્ષણ, જળવાયુ પ્રત્યેની જવાબદારી અને પર્યાવરણની સુરક્ષા માટે સામૂહિક પ્રયાસોના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો છે.આ કાર્યક્રમમાં વિવિધ શાળાઓ અને કોલેજોના અંદાજે 1,000 વિદ્યાર્થીઓ ભાગ લેશે.
દિવસભરના કાર્યક્રમનો પ્રારંભ સવારે 11:00 વાગ્યે વિદ્યાર્થીઓની નોંધણી સાથે થશે. ત્યારબાદ સ્વાગત અને પરિચય કાર્યક્રમ યોજાશે.
“Action for Ozone Protection & Cooler Planet” વિષય પર વ્યાખ્યાન યોજાશે. તેના માધ્યમથી વિદ્યાર્થીઓને ઓઝોન સ્તરનું મહત્વ, તેની સામેના પડકારો અને પૃથ્વીના સંરક્ષણ માટે જરૂરી પગલાં વિશે સમજ આપવામાં આવશે.કાર્યક્રમ દરમિયાન ઓઝોન સંરક્ષણ અંગેની વિશેષ ફિલ્મ દ્રષ્ય-શ્રાવ્યના માધ્યમથી દેખાડવામાં આવશે.
ઉપરાંત, “Save Ozone: Save Life” સંદેશ સાથેની ઇન્ટરેક્ટિવ “Explore Ozone” પઝલ ગેમ પણ યોજાશે.કાર્યક્રમના ભાગરૂપે વિદ્યાર્થીઓ ગુજરાત સાયન્સ સિટીની વિવિધ વૈજ્ઞાનિક થીમ આધારિત ગેલેરીઓની શૈક્ષણિક મુલાકાત લેશે. આ મુલાકાત દ્વારા તેમને વિજ્ઞાનના વિવિધ સિદ્ધાંતો અને ટેક્નોલોજીના વિકાસને રસપ્રદ તેમજ અનુભવ આધારિત રીતે સમજવાની તક મળશે.પોપ્યલર સાયન્સ લેક્ચર્સ, વિશેષ ફિલ્મ, ઇન્ટરેક્ટિવ ગેમ અને વૈજ્ઞાનિક ગેલેરીઓની મુલાકાત દ્વારા પર્યાવરણ વિજ્ઞાનને વિદ્યાર્થીઓ માટે વધુ રસપ્રદ અને સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. સાથે જ તેમને પર્યાવરણ પ્રત્યે જવાબદાર જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવશે.
કાર્યક્રમની વિગતો
તારીખ: 16 સપ્ટેમ્બર 2026
સમય: સવારે 11:00થી સાંજે 6:00 વાગ્યા સુધી
સ્થળ: ચિલ્ડ્રન એક્ટિવિટી સેન્ટર, ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ
થીમ: “Global Action for Cooler Planet”આ ઉજવણીનો હેતુ વિદ્યાર્થીઓ અને સમાજમાં વૈજ્ઞાનિક જાગૃતિ, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી તથા પ્રયોગાત્મક શિક્ષણને પ્રોત્સાહન આપવાની ગુજરાત સાયન્સ સિટીની પ્રતિબદ્ધતાને ઉજાગર કરવાનો છે.