• TTEC India Foundationના CSR સહયોગથી જરૂરિયાતમંદ પરિવારોને દિવાળી રાશન કીટનું વિતરણ !!
અમદાવાદ: દિવાળીના તહેવારની ખુશીઓ દરેક પરિવાર સુધી પહોંચે અને કોઈ જરૂરિયાતમંદ પરિવાર તહેવારની ઉજવણીથી વંચિત ન રહે તેવા ઉમદા હેતુથી ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા ‘પ્રોજેક્ટ ફૂડ ફોર ઓલ’ અંતર્ગત દિવાળી રાશન કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અભિયાન અંતર્ગત અમદાવાદના 180થી વધુ જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ સેવાકાર્યમાં TTEC India Foundationનો CSR અંતર્ગત મહત્વપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો.
TTEC India Foundationના CSR ઇન્ચાર્જ યુગ ચાવડા એ જણાવ્યું હતું કે, “દિવાળી ખુશીઓનો તહેવાર છે. આ તહેવારની ખુશીઓ દરેક પરિવાર સુધી પહોંચવી જોઈએ. કોઈપણ જરૂરિયાતમંદ પરિવાર દિવાળીની ઉજવણીથી વંચિત ન રહે તેવા વિચાર સાથે અમે ડ્રીમ ફાઉન્ડેશનની આ પહેલમાં જોડાયા છીએ. સમાજ માટે કંઈક સારું કરવાનો અને જરૂરિયાતમંદ પરિવારોની ખુશીમાં સહભાગી બનવાનો અમને આનંદ છે.
”આ અભિયાન અંતર્ગત અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા કુષ્ઠરોગથી પીડિત પરિવારોને પણ દિવાળી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમાજના દરેક વર્ગ સુધી મદદ પહોંચે અને દરેક પરિવાર તહેવારની ખુશીઓ માણી શકે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અંદાજે 15 જેટલા સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો.
ડ્રીમ ફાઉન્ડેશનના સ્થાપક નિરવ શાહે TTEC India Foundationની સમગ્ર ટીમ, ધર્મેન્દ્ર કુમાર,યુગ ચાવડા તથા તમામ સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ પરિવારોને મદદ પહોંચાડવાની સાથે તેમના સ્વમાન અને ગોપનીયતાનું જતન કરવું પણ સંસ્થાની પ્રાથમિકતા છે.
ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ, મહિલા અને બાળ કલ્યાણ તેમજ જરૂરિયાતમંદ પરિવારો માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.દિવાળીની સાચી ખુશી ત્યારે છે જ્યારે આપણા સહયોગથી કોઈ જરૂરિયાતમંદ પરિવારના ઘરમાં પણ ખુશીનો દીપ પ્રગટે. ‘પ્રોજેક્ટ ફૂડ ફોર ઓલ’ દ્વારા ડ્રીમ ફાઉન્ડેશને આ જ માનવતાનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.