• પી.આઈ. એમ. કે. ભુકણની અધ્યક્ષતામાં આયોજકો સાથે બેઠક સંપન્ન ¡¡¡
અમદાવાદ:આગામી પાવન નવરાત્રિ મહોત્સવ દરમિયાન tvકાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ખેલૈયાઓ સુરક્ષિત વાતાવરણમાં ગરબે ઘૂમી શકે તે હેતુથી સોલા પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસ ઇન્સ્પેક્ટર (PI) શ્રી એમ. કે. ભુકણની અધ્યક્ષતામાં સોલા વિસ્તારના તમામ મોટા ગરબા આયોજકો, પાર્ટી પ્લોટ સંચાલકો અને સુરક્ષા કર્મીઓ સાથે આ સમીક્ષા બેઠક યોજાઈ હતી.બેઠક દરમિયાન પી.આઈ. શ્રી એમ. કે. ભુકણે નવરાત્રિ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયમન અને મહિલાઓની સુરક્ષા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે આયોજકોને ખાતરી આપી હતી કે ઉત્સવ દરમિયાન પોલીસ તંત્ર તરફથી પૂરતો સહયોગ અને બંદોબસ્ત પૂરો પાડવામાં આવશે.
ખેલૈયાઓની સુવિધા માટે ‘પોલીસ ટેબલ’ શરૂ કરાશેઆ વર્ષે સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે એક વિશેષ પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત વિસ્તારના દરેક ગરબા ગ્રાઉન્ડ અને પાર્ટી પ્લોટમાં ફરજિયાતપણે એક ડેડિકેટેડ ‘પોલીસ ટેબલ’ ઊભું કરવાની સૂચના આયોજકોને આપવામાં આવી છે. આ પોલીસ ટેબલ પર પોલીસ જવાનો સતત હાજર રહેશે, જેથી કોઈ પણ ખેલૈયાને તાત્કાલિક મદદ, કટોકટી કે ફરિયાદના નિવારણ માટે સીધો સંપર્ક મળી રહે.
મુખ્ય માર્ગદર્શિકા અને સૂચનો:
• દરેક ગરબા સ્થળે યોગ્ય સંખ્યામાં ખાનગી સુરક્ષા ગાર્ડ અને બાઉન્સર્સ તૈનાત કરવા.
• સમગ્ર ગ્રાઉન્ડ, પ્રવેશ-નિકાસ દ્વાર અને પાર્કિંગ એરિયા સીસીટીવી કેમેરાથી આવરી લેવા.
• મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા માટે અગ્રતા આપવી.
• ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે વિશાળ અને સુવ્યવસ્થિત પાર્કિંગ સુવિધા ઊભી કરવી.
• કટોકટીના સંજોગો માટે ઇમરજન્સી એક્ઝિટ અને પ્રાથમિક સારવાર (First Aid) ની યોગ્ય વ્યવસ્થા રાખવી.
• સોલા પોલીસે તમામ નગરજનો અને ખેલૈયાઓને શાંતિપૂર્ણ તથા સુરક્ષિત વાતાવરણમાં ઉત્સવની ઉજવણી કરવા અપીલ કરી છે.